અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં મિશિગન સેનેટ બેઠક પર ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ડૉ. અબ્દુલ અલ-સૈયદે પોતાના વિજયી ભાષણમાં દેશની નીતિઓ અને વિદેશી હસ્તક્ષેપ પર આકરા પ્રહારો કર્યા છે. રિપબ્લિકન ઉમેદવાર માઇક રોજર્સને હરાવીને યુએસ સેનેટમાં પહોંચનારા પ્રથમ મુસ્લિમ સેનેટર બનેલા અબ્દુલે પોતાના સંબોધનમાં અમેરિકન રાજકારણ અને સિસ્ટમમાં કોર્પોરેશનો તેમજ અબજોપતિઓના પ્રભાવ સામે સવાલો ઉઠાવ્યા હતા.
પોતાના વિજય બાદ તેમણે જણાવ્યું હતું કે અમેરિકાની સાચી તાકાત તેની ખામીઓને છુપાવવામાં નહીં, પરંતુ તેને સુધારવાની હિંમત બતાવવામાં છે. તેમણે કડક શબ્દોમાં કહ્યું હતું કે, "અમેરિકી નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતા ટેક્સના પૈસા આપણા પોતાના અને આપણા બાળકોના કલ્યાણ માટે ખર્ચ થવા જોઈએ, નહીં કે અન્ય દેશોમાં બાળકો પર બોમ્બ ફેંકવા પાછળ."
સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ અને મોંઘવારીનો મુદ્દો:
અબ્દુલ અલ-સૈયદે મિશિગનના સામાન્ય રહેવાસીઓ દ્વારા દૈનિક જીવનમાં ભોગવવી પડતી આર્થિક તંગી અને મુશ્કેલીઓનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો કે વિશ્વના સૌથી ધનિક દેશમાં લોકો માટે પૂરતું અનાજ ખરીદવું, ગાડીમાં પેટ્રોલ ભરાવવું, ઘર ખરીદવું કે ડૉક્ટરની સલાહ લેવી આટલી મુશ્કેલ કેમ હોવી જોઈએ? તેમણે ભારપૂર્વક કહ્યું કે સામાન્ય નાગરિકો માટે જીવનનિર્વાહને વધુ સરળ અને પોષણક્ષમ બનાવવાની જરૂર છે.
ચૂંટણી પ્રચાર દરમિયાનનો સંઘર્ષ:
ઉલ્લેખનીય છે કે ૪૨ વર્ષીય ઇજિપ્તીયન-અમેરિકન ડૉક્ટર અને પ્રગતિશીલ નેતા અબ્દુલ અલ-સૈયદની આ ચૂંટણી સફર બિલકુલ સરળ નહોતી. પ્રચાર દરમિયાન તેમને સતત ઇસ્લામોફોબિક હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમને જાહેરમાં "જેહાદી" કહીને નિશાન બનાવ્યા હતા અને કટાક્ષ કર્યો હતો કે સેનેટમાં પ્રવેશતા પહેલા તેમની મેટલ ડિટેક્ટરથી તપાસ થવી જોઈએ. માત્ર એટલું જ નહીં, ડેમોક્રેટિક પાર્ટીના જ કેટલાક આંતરિક વિરોધો અને પ્રાથમિક ચૂંટણીમાં હારી ગયેલા નેતાઓના અસહકાર છતાં, અબ્દુલે જનતાના સમર્થનથી આ કાંટાની ટક્કર જીતીને ઇતિહાસ રચી દીધો છે.
આ પણ વાંચોઃ America માં ઇતિહાસ રચાયો! ટ્રમ્પે 'જેહાદી' કહેલા અબ્દુલ અલ-સૈયદ બન્યા પ્રથમ મુસ્લિમ સેનેટર