અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ડૉ. અબ્દુલ અલ-સૈયદે મિશિગન સેનેટ બેઠક પરથી ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આ વિજય સાથે તેઓ યુએસ સંસદના ઉપલા ગૃહ એટલે કે સેનેટમાં પહોંચનારા પ્રથમ મુસ્લિમ સેનેટર બનીને ઇતિહાસના પાના પર નોંધાઈ ગયા છે. આ અગાઉ અમેરિકી સંસદના નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ)માં મુસ્લિમ સભ્યો ચૂંટાયા છે, પરંતુ સેનેટમાં કોઈ મુસ્લિમ નેતા પહોંચ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે.

ચૂંટણી પરિણામો અને સ્પર્ધા

મિશિગન સેનેટ બેઠક પર 42 વર્ષીય અબ્દુલ અલ-સૈયદનો સીધો મુકાબલો રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ કોંગ્રેસમેન માઇક રોજર્સ સાથે હતો. ન્યૂ યોર્ક ટાઇમ્સના આંકડા અનુસાર, આ કાંટાની ટક્કરમાં અલ-સૈયદને 51.7 ટકા મત મળ્યા હતા, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નજીકના માનવામાં આવતા માઇક રોજર્સને ૪૬.૩ ટકા મત મળતાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ટ્રમ્પના આકરા પ્રહારો અને આરોપો

ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અબ્દુલ અલ-સૈયદ સામે આક્રમક વલણ અપનાવ્યું હતું. વિવિધ ચૂંટણી રેલીઓમાં ટ્રમ્પે અલ-સૈયદને "કટ્ટરપંથી જેહાદી", હમાસ અને મુસ્લિમ બ્રધરહુડના સમર્થક ગણાવ્યા હતા. ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું હતું કે અલ-સૈયદ યુનાઇટેડ સ્ટેટ્સમાં શરિયા કાયદો લાગુ કરવા માંગે છે અને સેનેટમાં પ્રવેશતા પહેલા તેમની મેટલ ડિટેક્ટરથી તપાસ થવી જોઈએ.

અલ-સૈયદનો કડક જવાબ

ડૉ. અબ્દુલ અલ-સૈયદ, જેઓ વ્યવસાયે ડૉક્ટર છે અને અગાઉ ડેટ્રોઇટ તથા વેઇન કાઉન્ટીમાં આરોગ્ય વિભાગનું નેતૃત્વ કરી ચૂક્યા છે, તેમણે ટ્રમ્પના તમામ આરોપોને સ્પષ્ટપણે ફગાવી દીધા હતા. તેમણે જવાબ આપતાં કહ્યું હતું કે, "ટ્રમ્પ અને તેમના વિરોધીઓ વધતી મોંઘવારી, ગેસના ભાવ, ભાડાં અને આરોગ્યસંભાળ જેવા વાસ્તવિક આર્થિક મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે તેમના નામ અને ધર્મનો ઉપયોગ કરી રહ્યા છે." તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે, "ચૂંટણી પરિણામો પછી ટ્રમ્પ મને 'સેનેટર' કહીને બોલાવી શકે છે, અને જો મને મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવાનું કહેવાશે, તો ટ્રમ્પે પણ પહેલા 'લાઇ ડિટેક્ટર' (ઝૂઠ પકડવાના મશીન)માંથી પસાર થવું પડશે."

પ્રગતિશીલ નીતિઓ અને કારકિર્દી

અલ-સૈયદ કોર્પોરેટ દાનનો વિરોધ કરે છે અને તેમણે નાના દાનના આધારે આખી ચૂંટણી લડી હતી. તેઓ "મેડિકેર ફોર ઓલ" (બધા માટે જાહેર આરોગ્યસંભાળ) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર સરકારી અંકુશના પ્રબળ સમર્થક છે. મિશિગનના મતદારોએ ટ્રમ્પના નિવેદનોને નકારીને અલ-સૈયદના વિકાસલક્ષી એજન્ડા પર વિશ્વાસ મૂક્યો છે.

આ પણ વાંચોઃ Trumpની હારથી હવે ભારતને ફાયદો થશે કે નુકસાન? US ટેરિફથી H-1B વિઝા સુધી પડશે મોટી અસર?