અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો ફટકો પડ્યો છે અને કોંગ્રેસના બંને ગૃહો પર ડેમોક્રેટ્સનો કબજો થઈ ગયો છે. આ રાજકીય પલટાની સીધી અસર ભારત-અમેરિકાના સંબંધો, વેપાર, ટેરિફ અને H-1B વિઝા ધારકો પર કેવી પડશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

તણાવ અને યુદ્ધને જવાબદાર ઠેરવ્યા

ચૂંટણીમાં પરાજય બાદ ટ્રમ્પે પોતાની હાર અને મોંઘવારી માટે ઈરાન સાથેના તણાવ અને યુદ્ધને જવાબદાર ઠેરવ્યા છે. રિપબ્લિકન પાર્ટીએ કોંગ્રેસમાં બહુમતી ગુમાવતા હવે ડેમોક્રેટ્સ પાસે કાયદાકીય તપાસ અને ભંડોળ મામલે સત્તા વધી ગઈ છે. જોકે, વિદેશ નીતિ પર રાષ્ટ્રપતિ ટ્રમ્પની સત્તા યથાવત રહેશે અને તેઓ 'વીટો' પાવરનો ઉપયોગ કરી શકશે.

વેપાર અને ટેરિફ પર અસર

અમેરિકા ભારતની નિકાસ માટે સૌથી મોટું બજાર છે. અગાઉ યુએસ સુપ્રીમ કોર્ટે વૈશ્વિક ટેરિફ પર રોક લગાવીને તેને ૧૦ ટકાના સ્તરે ઘટાડ્યો હતો. હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર કરાર અંતિમ તબક્કામાં છે. સંસદમાં ડેમોક્રેટ્સની બહુમતી આવવાથી વ્યાપારિક નીતિઓ અને ટેરિફ પ્રસ્તાવો પર સંસદીય ચકાસણી વધુ કડક બનશે, જેનાથી ભારત સાથેના કરારોની દિશા નક્કી થઈ શકે છે.

H-1B વિઝા અને ઇમિગ્રેશન

અમેરિકામાં કામ કરતા લાખો ભારતીય વ્યાવસાયિકો અને H-1B વિઝા ધારકો માટે આ પરિણામો મિશ્ર અસર ધરાવે છે. વિઝા નિયમોમાં તાત્કાલિક કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ડેમોક્રેટ્સની પકડ મજબૂત થવાથી રિપબ્લિકન પક્ષના કઠોર ઇમિગ્રેશન પ્રસ્તાવો સામે અંકુશ આવી શકે છે. જો કે, ગયા સપ્ટેમ્બરે H-1B વિઝા અરજીઓ પર લદાયેલી 1,00,000 ડૉલરની ફી જેવા ટ્રમ્પના વહીવટી આદેશો આપમેળે રદ થશે નહીં.

ભારત માટે શું અર્થ છે?

નિષ્ણાતોના મતે, ડેમોક્રેટ્સ પાસે શક્તિ વધવા છતાં ટ્રમ્પના વીટો પાવર અને સેનેટના નિયમોને કારણે નીતિગત ફેરફારો મર્યાદિત રહેશે. ટ્રમ્પ વહીવટીતંત્ર પર હવે આંતરિક દબાણ વધશે, જે ભારત સાથેના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને પરોક્ષ રીતે પ્રભાવિત કરી શકે છે.

આ પણ વાંચોઃ US Election માં હાર બાદ ટ્રમ્પનાબદલાયા તેવર ! ઇરાન માટે કરી દીધી નફાની વાત....