આસામના જોગીઘોપા સ્થિત નરનારાયણ સેતુ પર સોમવારે એક દુઃખદ ટ્રેન અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં રેલવેના બાંધકામ અને જાળવણી કાર્ય સાથે જોડાયેલા બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે અન્ય બે મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જાણ થતાં જ રેલવે અધિકારીઓ, સ્થાનિક વહીવટી તંત્ર અને રાહત-બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત
પ્રાપ્ત માહિતી અનુસાર ચારેય મજૂરો રેલવે ટ્રેક પર બાંધકામ અને જાળવણીના કામ માટે પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન વિપરીત દિશામાં ટ્રેનોની અવરજવર ચાલી રહી હતી. આ દરમિયાન એક ઝડપી માલગાડીએ ચારેયને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો. ટક્કર એટલી જોરદાર હતી કે બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા.
સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માત એટલો અચાનક બન્યો કે મજૂરોને બચવાનો કોઈ મોકો જ મળ્યો નહોતો. સ્થાનિક લોકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી અને ઘાયલોને ટ્રેક પરથી બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. રેલવે સુરક્ષા દળ અને સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
રેલવે વિભાગે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં અકસ્માત સમયે સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં અને ટ્રેક પર કામ કરતા કર્મચારીઓને ટ્રેનોની અવરજવર અંગે અગાઉથી જાણ કરવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. રેલવે પ્રશાસને મૃતકોના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવાની ખાતરી આપી છે. સાથે જ તપાસમાં જો કોઈ બેદરકારી સામે આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : Biharમાં શોર્ટ સર્કિટ બાદ થયો સિલિન્ડર બ્લાસ્ટ, 8 મકાન આગની ઝપેટમાં