દેશભરના વિવિધ રાજ્યોમાં ચોમાસાના ભારે વરસાદે તબાહી મચાવી છે. ખાસ કરીને કેરળ, આસામ અને ઓડિશામાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે, જ્યાં પૂર અને વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લાખો લોકો પ્રભાવિત થયા છે અને વહીવટીતંત્ર દ્વારા રાહત તથા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

કેરળમાં સૌથી ખરાબ પરિસ્થિતિ

કેરળમાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. અહીં છેલ્લા ચાર દિવસમાં 1 થી 4 ઓગસ્ટ દરમિયાન સામાન્ય કરતાં 181 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર આ સમયગાળામાં 205.8 મીમી વરસાદ પડ્યો છે. સતત મુશળધાર વરસાદને કારણે પથાનમથિટ્ટા, કોટ્ટાયમ, ઇડુક્કી, એર્નાકુલમ સહિત આઠ જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદ અને પૂર સંબંધિત દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 4 લોકો ગુમ છે અને અનેક લોકો ઘાયલ થયા છે.

આસામમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર

મળતી માહિતી પ્રમાણે ભારે વરસાદને પગલે રાજ્યભરમાં 400થી વધુ રાહત શિબિરો ઊભી કરવામાં આવી છે, જેમાં 18,000 થી વધુ લોકો આશરો લઈ રહ્યા છે. પૂરના કારણે અનેક લોકોના મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઘરવખરી ધોવાઈ ગઈ છે, જેને લઈને સરકારે દસ્તાવેજો પુનઃ મેળવવા અને બાળકોને નવા પુસ્તકો પૂરા પાડવા માટે ખાસ અદાલતો બનાવવાની જાહેરાત કરી છે. બીજી તરફ, આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે. રાજ્યમાં પૂરના કારણે મૃત્યુઆંક વધીને 87 પર પહોંચી ગયો છે. શિવસાગર, ચરાઈદેવ અને જોરહાટ સહિત છ જિલ્લાના આશરે 1.28 લાખ લોકો પૂરની ઝપેટમાં છે. જોકે, રાહતની વાત એ છે કે હવે ધીમે ધીમે પાણીનું સ્તર ઓછું થઈ રહ્યું છે, છતાં કટોકટી યથાવત છે.

ઓડિશામાં પણ જોવા મળ્યો પૂરનો પ્રકોપ

બીજી તરફ ઓડિશામાં પણ પૂરનો પ્રકોપ જોવા મળ્યો છે, જ્યાં 22 જિલ્લાના અંદાજે 8.64 લાખ લોકો પ્રભાવિત થયા છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પૂરગ્રસ્તો માટે 110 કરોડ રૂપિયાના પ્રારંભિક રાહત પેકેજની જાહેરાત કરી છે. પૂરમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય અને સંપૂર્ણ નુકસાન પામેલા મકાનો માટે 1.2 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને નાગાલેન્ડમાં પણ ભારે વરસાદને કારણે હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનાથી ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ચિંતા વધી ગઈ છે.

આ પણ વાંચોઃ US: ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક, બંદૂક અને દારૂગોળો સાથે શંકાસ્પદ વ્યક્તિની કરાઇ ધરપકડ