અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર ચિંતા ઊભી થઈ છે. રવિવારે લોસ એન્જલસ વિસ્તારમાં આવેલા ડોનાલ્ડ ટ્રમ્પના ગોલ્ફ કોર્સ નજીકથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ પાસેથી એક બંદૂક અને વિપુલ પ્રમાણમાં દારૂગોળો મળી આવ્યો છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે.

શું ટ્રમ્પને નુકસાન પહોંચાડવાનું કાવતરૂં?

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પકડાયેલ શખ્સ માત્ર મંગળવારે જ નહીં, પરંતુ તેના બે દિવસ અગાઉ પણ તે જ સ્થળે જોવા મળ્યો હતો. તે સમયે તે ટ્રમ્પના ભંડોળ ઊભું કરવાના (ફંડ રેઝિંગ) કાર્યક્રમની તૈયારીઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી રહ્યો હતો. તેની આ શંકાસ્પદ હિલચાલ અને ફરીથી હથિયારો સાથે ગોલ્ફ ક્લબની આસપાસ હાજરીએ સુરક્ષા એજન્સીઓનું ટેન્શન વધારી દીધું છે. શું આ ટ્રમ્પને નુકસાન પહોંચાડવાનું કોઈ મોટું કાવતરું હતું? તે દિશામાં હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

શંકાસ્પદ વ્યક્તિની કરાઇ રહી છે પૂછપરછ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્થાનિક પોલીસ અને ફેડરલ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. પકડાયેલા વ્યક્તિની ઓળખ અને તેના ઈરાદાઓ વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે કે તે કયા હેતુસર હથિયાર લઈને ગોલ્ફ કોર્સની આસપાસ ફરતો હતો.

અગાઉ પણ થઇ ચૂક્યા છે જીવલેણ હુમલા

ડોનાલ્ડ ટ્રમ્પ પર અગાઉ પણ જીવલેણ હુમલાના પ્રયાસો થઈ ચૂક્યા છે, જેના કારણે તેમની સુરક્ષા હંમેશાં અત્યંત સંવેદનશીલ મુદ્દો રહી છે. તાજેતરની આ ઘટના બાદ ટ્રમ્પની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરી દેવામાં આવી છે. અધિકારીઓ એ વાતની પણ તપાસ કરી રહ્યા છે કે આ વ્યક્તિ એકલો જ આ કાવતરા પાછળ હતો કે પછી તેની સાથે અન્ય કોઈ જૂથ કે વ્યક્તિઓ પણ સંકળાયેલા છે. આ મામલે આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ World News : અમેરિકાના વોશિંગ્ટનમાં જંગલની આગ વિકરાળ બની, 600થી વધુ ઇમારતો ખાખ