આસામના સિલચર અને તેની આસપાસના વિસ્તારોમાં હવાઈ મુસાફરી હવે વધુ સરળ બની શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે સિલચરના ડોલુ વિસ્તારમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની મંજૂરી આપી છે.

આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ.2,014 કરોડનો ખર્ચ કરવામાં આવશે. એરપોર્ટના નિર્માણની જવાબદારી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ને સોંપવામાં આવી છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. નવા એરપોર્ટના નિર્માણથી દક્ષિણ આસામ અને બરાક ખીણમાં હવાઈ કનેક્ટિવિટી સુધરવાની સાથે મુસાફરોને પણ વધુ સુવિધાઓ મળશે.

એક કલાકમાં 800 મુસાફરોને સંભાળી શકશે એરપોર્ટ

નવા એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ 12,351 ચોરસ મીટરમાં બનાવવામાં આવશે. આ ટર્મિનલ વ્યસ્ત સમયે એક કલાકમાં 800 મુસાફરોને સંભાળી શકશે. તેનાથી મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવામાં મદદ મળશે.

હાલમાં સિલચર એરપોર્ટ સંરક્ષણ મંત્રાલયની જમીન પર આવેલા સિવિલ એન્ક્લેવમાંથી કાર્યરત છે. અહીં જગ્યા અને વિમાનોના સંચાલનને લગતી કેટલીક મર્યાદાઓ છે. નવું એરપોર્ટ આ મુશ્કેલીઓ દૂર કરવાની સાથે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.

6 Airbus A320 વિમાનો પાર્ક કરવાની સુવિધા

આ પ્રોજેક્ટ હેઠળ 2,705 મીટર લાંબો અને 45 મીટર પહોળો રનવે બનાવવામાં આવશે. આ રનવે Code-4C ધોરણો મુજબ તૈયાર થશે અને Airbus A320 જેવા વિમાનોના સંચાલન માટે યોગ્ય રહેશે.

એરપોર્ટ પર એપ્રન પણ બનાવવામાં આવશે, જ્યાં એકસાથે છ Airbus A320 વિમાનો પાર્ક કરી શકાશે. આ ઉપરાંત, કટોકટીની સ્થિતિમાં કોઈ વિમાનને અન્ય વિમાનોથી અલગ રાખવા માટે આઇસોલેશન બેની સુવિધા પણ વિકસાવવામાં આવશે.

દક્ષિણ આસામને મળશે વધુ સારી હવાઈ કનેક્ટિવિટી

નવું એરપોર્ટ બનવાથી આસામના કછાર જિલ્લા અને બરાક ખીણના લોકોને વધુ સારી હવાઈ સુવિધા મળવાની આશા છે. તેનાથી દક્ષિણ આસામ અને આસપાસના વિસ્તારોની અન્ય શહેરો સાથેની હવાઈ કનેક્ટિવિટી મજબૂત બનશે.

સરકારને આશા છે કે હવાઈ સંપર્કમાં સુધારો થવાથી આ વિસ્તારમાં વેપાર, પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે. સાથે જ બરાક ખીણને દેશના અન્ય વિસ્તારો સાથે જોડવામાં પણ મદદ મળશે. આ પ્રોજેક્ટને આસામના પરિવહન માળખા અને પ્રાદેશિક વિકાસની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:Meerut Hotel Case: 'સાહેબ માફ કરી દો...' ધરપકડ બાદ રડવા લાગ્યો મેરઠ હોટલ કાંડનો આરોપી,પોલીસથી ભાગતાં થયો ઈજાગ્રસ્ત