દેશના બે મહત્વના રાજ્યો પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આજે વિધાનસભા ચૂંટણી 2026 માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચે અભૂતપૂર્વ સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળના હિંસક ઈતિહાસને જોતા રસ્તાઓ પર બખ્તરબંધ ગાડીઓ અને ચપ્પે-ચપ્પે કેન્દ્રીય દળોના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.


પશ્ચિમ બંગાળમાં 152 બેઠક પર 'લોખંડી' પહેરો

બંગાળમાં પ્રથમ તબક્કાની 152 બેઠકો માટે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક છે. અહીં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની 2407 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે, જેનો અર્થ છે કે આશરે 2.5 લાખ જવાનો સુરક્ષામાં છે. આંકડાકીય રીતે જોઈએ તો દર 100 થી 130 મતદારો દીઠ એક જવાન તૈનાત છે. નંદીગ્રામ, ભવાનીપુર અને સિલીગુડી જેવી હાઈ-પ્રોફાઈલ બેઠકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદારોને ડરાવવા કે ધમકાવવાના કોઈપણ પ્રયાસ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ મતદાન મથકો પર વેબકાસ્ટિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે.

તમિલનાડુ: 5.73 કરોડ મતદારો લખશે ભવિષ્ય

તમિલનાડુની 234 બેઠકો પર આજે ભાવિ નક્કી થશે. રાજ્યમાં અંદાજે 1.47 લાખ સુરક્ષાકર્મીઓ મેદાનમાં છે, જેમાં પોલીસ, હોમગાર્ડ અને નિવૃત્ત સૈનિકોનો પણ સમાવેશ થાય છે. રાજ્યના 5,938 મતદાન કેન્દ્રોને 'સંવેદનશીલ' જાહેર કરવામાં આવ્યા છે, ત્ચાં કડક સુરક્ષા ગોઠવાઈ છે. કોલાથુર જેવી મહત્વની બેઠકો પર DMK અને AIADMK વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

હિંસાનો ઈતિહાસ અને સાવચેતી

વર્ષ 2021ની ચૂંટણીમાં થયેલી ભારે હિંસાને ધ્યાનમાં રાખીને, આ વખતે મતદાન પૂર્ણ થયા પછી પણ સુરક્ષા દળોની 500 કંપનીઓ આગામી 6 મહિના સુધી પશ્ચિમ બંગાળમાં રોકાશે. આ પગલાંનો હેતુ 'પોસ્ટ-પોલ હિંસા' (ચૂંટણી પછીની હિંસા)ને અટકાવવાનો છે.


આ પણ વાંચો: Local body election: માળીયા મિયાણા પાલિકામાં 20 વર્ષથી કોંગ્રેસનું એકહથ્થું શાસન, હવે ખેલાશે ત્રિપાંખીયો જંગ

  • Follow us on: