દેશમાં આજે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. આજે વિધાનસભા પેટા ચૂંટણી માટે 4 રાજયોની 5 બેઠક પર સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. ગુજરાત સહિત આજે પંજાબ, કેરળ, અને પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા મે મહિનાના અંતમાં પેટાચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત 19 જૂનના રોજ આ તમામ 5 બેઠકો પર મતદાન થશે અને 23 જૂનના રોજ મતદાનના પરિણામો જાહેર કરવામાં આવશે. પેટામાં ચૂંટણીને લઈને આજે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે જંગ જોવા મળશે.
ગુજરાતમાં 2 બેઠક પર પેટા ચૂંટણી
ગુજરાતમાં આજે વિસાવદર અને કડી એમ બે બેઠક પર પેટા ચૂંટણી માતે મતદાન થઈ રહ્યું છે. વિસાવદરમાં આપ પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ રાજીનામું આપતા આ બેઠક ખાલી થઈ હતી. ત્યારબાદ તેઓ દિગ્ગજ નેતા ભૂપેન્દ્ર ભાયામી ભાજપમાં જોડાયા હતા. એટલે આ બેઠક ખાલી થતા ત્યાં પેટાચૂંટણી થઈ રહી છે. આ બેઠક પરથી ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને AAP પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે.
કડીના ધારાસભ્ય કરસનભાઇ સોલંકીનું અવસાન થતા વિધાનસભાની આ બેઠક ખાલી પડી હતી. અને હવે આજે બેઠક પર ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે વિપક્ષ કોંગ્રેસ પક્ષના રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા ચૂંટણી લડી રહ્યા છે.
પંજાબ લુધિયાણા બેઠક
પંજાબની લુધિયાણા (પશ્ચિમ) બેઠક પર વર્તમાન સભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીના અવસાનને કારણે પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠક અરવિંદ કેજરીવાલ માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. આપ પાર્ટીએ આ બેઠક પર પોતાના કબ્જો જાળવી રાખવા રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપ તરફથી જીવન ગુપ્તા અને કોંગ્રેસ તરફથી ભારત ભૂષણ આશુ અને શિરોમણી અકાલી દળના પરુપકાર સિંહ ખુમાનને ઉમેદવાર બનાવ્યો છે. પંજાબની આ બેઠક પર મુખ્ય ત્રણ પક્ષ બાદ અકાલી દળ પણ પેટા ચૂંટણી લડતા મતદાનના આંકડાઓમાં બદલાવ જોવા મળી શકે છે.
પશ્ચિમ બંગાળ કાલીગંજ બેઠક
પશ્ચિમ બંગાળની કાલીગંજ બેઠકમાં ટીએમસી ધારાસભ્ય નસીરુદ્દીન અહેમદનું અવસાન થતા આ બેઠક ખાલી પડી હતી. આજે કાલીગંજમાં પેટાચૂંટણી યોજાઈ રહી છે. કાલીગંજ બેઠક પર શાસક ટીએમસીએ અલીફા અહેમદને મેદાનમાં ઉતારી છે. જયારે ભાજપે પાયાના પક્ષના અધિકારી આશિષ ઘોષને મેદાનમાં ઉતાર્યા છે, આ ઉપરાંત આ બેઠક પર કોંગ્રેસ-ડાબેરી ગઠબંધને કાબિલ ઉદ્દીન શેખને પેટાચૂંટણી જીતવા ઉમેદવાર બનાવ્યા છે.
કેરળમાં નિલંબુર બેઠક
કેરળમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું છે. આ બેઠક વાયનાડ લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે એટલે કોંગ્રેસને વિધાનસભા પેટાચૂંટણી નિલંબુર બેઠક પર જીતની પ્રબળ આશા છે. આ વખતે, કોંગ્રેસે આ બેઠક પર ભૂતપૂર્વ ધારાસભ્ય આર્યદાન મોહમ્મદના પુત્ર આર્યદાન શૌકતને મેદાનમાં ઉતાર્યા છે , જ્યારે LDF એ એમ. સ્વરાજને પોતાના ઉમેદવાર બનાવ્યા છે .