પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક મોટો વળાંક આવ્યો છે. રાજ્યપાલ આર.એન. રવિએ બંધારણીય સત્તાનો ઉપયોગ કરીને 17મી વિધાનસભાને ભંગ કરવાનો આદેશ આપ્યો છે. 2026ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળ્યા બાદ પણ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 'વોટ ચોરી'નો આરોપ લગાવી રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે રાજ્યપાલે આ કડક પગલું ભર્યું છે.
શું છે સમગ્ર વિવાદ?
તાજેતરમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ને સ્પષ્ટ બહુમતી મળી છે. જોકે, વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ પરિણામોને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે ચૂંટણીમાં 'વોટ ચોરી' અને ગેરરીતિના ગંભીર આરોપો લગાવીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની મનાઈ કરી દીધી હતી. લોકશાહી ઢબે ચૂંટાયેલી નવી સરકારની રચનામાં અવરોધ ઉભો થતા રાજ્યપાલે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
બંધારણીય પ્રક્રિયા અને ગેઝેટ નોટિફિકેશન
બુધવાર, 6 મે, 2026 ના રોજ એક વિશેષ ગેઝેટ નોટિફિકેશન (નંબર: 275-P.A./1L-03/2026) બહાર પાડવામાં આવ્યું હતું. સંસદીય બાબતોના વિભાગ દ્વારા જારી કરાયેલા આ નિર્દેશ મુજબ, 17મી વિધાનસભાનો કાર્યકાળ હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયો છે. રાજ્યના મુખ્ય સચિવ દુષ્મંત નરિયાલા (IAS) એ જાહેર હિતમાં આ આદેશ પ્રસિદ્ધ કર્યો છે. સામાન્ય રીતે ચૂંટણી બાદ નવી સરકારની રચના પહેલા જૂની એસેમ્બલી ભંગ કરવી એ એક અનિવાર્ય પ્રક્રિયા છે, પરંતુ અહીં મમતા બેનર્જીના વલણને કારણે આ પ્રક્રિયા વધુ ચર્ચાસ્પદ બની છે.
વિધાનસભા પ્રથમ સત્રની પ્રક્રિયા શરૂ થશે
વિધાનસભા ભંગ થવાની સાથે જ પશ્ચિમ બંગાળમાં 18મી વિધાનસભાની રચનાનો માર્ગ મોકળો થયો છે. આ નિર્ણયથી નવી ચૂંટાયેલી સરકાર માટે શપથ ગ્રહણ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. રાજકીય વિશ્લેષકોના મતે, આગામી થોડા દિવસોમાં નવી કેબિનેટની રચના અને વિધાનસભાનું પ્રથમ સત્ર બોલાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળના ઇતિહાસમાં આ એક દુર્લભ ઘટના છે જ્યાં વિદાય લેતા મુખ્યમંત્રીના વિરોધ વચ્ચે રાજ્યપાલે બંધારણીય સત્તાનો ઉપયોગ કરી વિધાનસભાનું વિસર્જન કરવું પડ્યું હોય. સમગ્ર દેશની નજર હવે કોલકાતામાં રચાનારી નવી સરકાર પર ટકેલી છે.
આ પણ વાંચો:Israel:હિઝબુલ્લાહના 220થી વધુ આતંકીઓનો ખાતમો,લેબનાનમાં સીઝફાયર વચ્ચે ઇઝરાયેલનો હુમલો