લેબનાનમાં સીઝફાયર (યુદ્ધવિરામ)ની જાહેરાત બાદ પણ સ્થિતિ તણાવપૂર્ણ બની રહી છે. ઇઝરાયેલ સંરક્ષણ દળો (IDF) એ દાવો કર્યો છે કે તેમણે દક્ષિણ લેબનાનમાં છેલ્લા કેટલાક દિવસોમાં હિઝબુલ્લાહના 220 થી વધુ આતંકવાદીઓ અને તેમના કમાન્ડરોને ઠાર કર્યા છે. IDF એ આ ઓપરેશનનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર સચોટ હુમલા થતા જોઈ શકાય છે.

સીઝફાયરના ઉલ્લંઘનનો આરોપ

ઇઝરાયેલના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી એવા આતંકીઓ વિરુદ્ધ કરવામાં આવી હતી જેઓ ઇઝરાયેલના નાગરિકો અને સૈનિકો માટે ખતરો ઉભો કરી રહ્યા હતા. IDF એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ દક્ષિણ લેબનાનમાં ઇઝરાયેલી નાગરિકોની સુરક્ષા માટે ખતરો બનેલા કોઈપણ પરિબળને નાબૂદ કરવા સતત કાર્યરત છે. હવાઈ હુમલા દરમિયાન હિઝબુલ્લાહના ઘણા કમાન્ડ સેન્ટરો અને મહત્વના સૈન્ય ઠેકાણાઓને પણ નષ્ટ કરવામાં આવ્યા છે.

બેરૂતમાં તાજા હુમલામાં જાનહાનિ

બીજી તરફ, ઇઝરાયેલની સેનાએ ગુરુવારે બેરૂતના દક્ષિણ ઉપનગરો અને દક્ષિણ લેબનાનના અનેક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. લેબનાનના આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર, બેરૂતના દહિયેહ વિસ્તારમાં થયેલા તાજા હુમલામાં 2 લોકોના મોત થયા છે અને 7 લોકો ઘાયલ થયા છે. લેબનાન આ હુમલાઓને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન ગણાવી રહ્યું છે.

આ પણ વાંચો:Operation Sindoor:ઓપરેશન સિંદૂરની અસર, પાકિસ્તાની સેનામાં થયા ત્રણ મોટા ફેરફાર