7 મે 2025ના રોજ ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' એ પાકિસ્તાની સૈન્ય માળખાને હચમચાવી દીધું છે. માત્ર 88 કલાકની અંદર ભારતની ચોકસાઈપૂર્વકની કાર્યવાહીએ પાકિસ્તાનને સીઝફાયર માટે મજબૂર કર્યું હતું. આ ઓપરેશન બાદ પાકિસ્તાને પોતાની નબળાઈઓને ઢાંકવા અને ભારતનો સામનો કરવા માટે સૈન્ય વ્યૂહરચનામાં ત્રણ મોટા ફેરફારો કર્યા છે.

આર્મી રોકેટ ફોર્સ કમાન્ડ (ARFC) ની સ્થાપના

ઓપરેશનના ત્રણ મહિના બાદ, ઓગસ્ટ 2025માં પાકિસ્તાને ચીનની તર્જ પર નવી 'રોકેટ ફોર્સ' બનાવવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનને હવે અહેસાસ થયો છે કે માત્ર પરમાણુ હથિયારોના જોરે ભારતને રોકી શકાશે નહીં, તેથી ભારતની અંદર ઊંડે સુધી હુમલો કરવાની ક્ષમતા વધારવા માટે આ નવી યુનિટ તૈયાર કરવામાં આવી છે.

સેના પ્રમુખ હવે વધુ શક્તિશાળી

નવેમ્બર 2025માં પાકિસ્તાની સંસદે 27મો બંધારણીય સુધારો પસાર કરીને 'ચીફ ઓફ ડિફેન્સ ફોર્સીસ' (CDF) નું નવું પદ બનાવ્યું છે. આ ફેરફાર બાદ આર્મી, નેવી, એરફોર્સ અને પરમાણુ હથિયારોની કમાન હવે એક જ વ્યક્તિ એટલે કે જનરલ આસિમ મુનીરના હાથમાં આવી ગઈ છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય પાંખો વચ્ચે જોવા મળેલી તાલમેલની ખામીને દૂર કરવા આ નિર્ણય લેવાયો છે.

ન્યુક્લિયર બ્લેકમેલિંગની વ્યૂહરચના નિષ્ફળ

ભારતે આ ઓપરેશન દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પરમાણુ ધમકીઓ છતાં આતંકવાદ સામેની કાર્યવાહી અટકશે નહીં. આનાથી પાકિસ્તાનની વર્ષો જૂની 'ન્યુક્લિયર બ્લેકમેલિંગ' ની નીતિ નબળી પડી છે અને હવે તેઓને પોતાની પરમાણુ રણનીતિ પર ફરીથી વિચાર કરવાની ફરજ પડી છે.

આ પણ વાંચો:Hantavirus:હંતાવાયરસથી સ્પેનમાં ખૌફ,કેનરી આઇલેન્ડે ક્રૂઝ જહાજને પ્રવેશ આપવાની પાડી ના, જાણો શું છે સમગ્ર વિવાદ