દુનિયા અત્યારે એક નવા વાયરસના ભય હેઠળ છે. MV Hondius નામના ક્રૂઝ જહાજ પર હંતાવાયરસ (Hantavirus) ના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. આ જહાજ પર હાલ 147 મુસાફરો સવાર છે, જેઓ જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જોકે, સંક્રમણના ભયને કારણે અનેક દેશો આ જહાજને પોતાના બંદરે લાંગરવાની મંજૂરી આપી રહ્યા નથી.

કેનરી આઇલેન્ડનો વિરોધ

સ્પેન સરકાર આ જહાજને લેવા માટે સહમત થઈ હતી, પરંતુ સ્પેનના જ કેનરી આઇલેન્ડની સરકારે આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. કેનરી આઇલેન્ડ્સના રાષ્ટ્રપતિ ફર્નાન્ડો ક્લાવિજોએ જણાવ્યું હતું કે સંક્રમણની ગંભીરતા અંગે પૂરતી તબીબી માહિતી ઉપલબ્ધ નથી અને સ્પેન સરકારનો આ નિર્ણય ઉતાવળિયો છે. તેમણે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે તાત્કાલિક બેઠકની માંગ કરી છે.

શું છે હંતાવાયરસ?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, હંતાવાયરસ એ વાયરસનો એક સમૂહ છે જે મુખ્યત્વે ઉંદર જેવા કૃંતકો દ્વારા ફેલાય છે. તે સંક્રમિત ઉંદરોના મળ, પેશાબ અથવા લાળના સંપર્કમાં આવવાથી મનુષ્યોમાં ફેલાઈ શકે છે. તેના લક્ષણોમાં તાવ, સ્નાયુઓમાં દુખાવો, ચક્કર આવવા અને ગંભીર કિસ્સામાં શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે.

વર્તમાન સ્થિતિ

જહાજ પર અત્યાર સુધીમાં 7 કેસની ઓળખ થઈ છે, જેમાંથી 3 ના મોત થયા છે.દક્ષિણ આફ્રિકાના અધિકારીઓએ આ વાયરસના 'એન્ડિયન વેરિઅન્ટ' (Andean variant) ની ઓળખ કરી છે.કેપ વર્ડેથી સંક્રમિત દર્દીઓને એર એમ્બ્યુલન્સ દ્વારા બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:Burj Khalifa:બુર્જ ખલીફા બનાવનાર આ શખ્સ પાસે છે અઢળક સંપત્તિ, જાણો 18 દેશોમાં ફેલાયેલા તેમના બિઝનેસ વિશે