દુબઈનું નામ લેતા જ સૌથી પહેલું ચિત્ર જે મનમાં આવે છે તે છે બુર્જ ખલીફા. દુનિયાની આ સૌથી ઊંચી ઈમારત આજે દુબઈની ઓળખ બની ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે આ આકાશી ઈમારત બનાવનાર પાછળ કયા વ્યક્તિનો મગજ છે? આ અજાયબીનું નિર્માણ કરનાર શખ્સ છે મોહમ્મદ અલાબ્બાર. ચાલો જાણીએ તેમની અઢળક સંપત્તિ અને વૈશ્વિક બિઝનેસ સામ્રાજ્ય વિશે.
એમાર પ્રોપર્ટીઝના સ્થાપક
મોહમ્મદ અલાબ્બાર એ દુબઈના જાણીતા ઉદ્યોગપતિ અને એમાર પ્રોપર્ટીઝ (Emaar Properties) ના સ્થાપક છે. તેમણે 16 જૂન, 1997ના રોજ આ કંપનીનો પાયો નાખ્યો હતો. આજે એમાર પ્રોપર્ટીઝ વિશ્વની સૌથી મૂલ્યવાન રિયલ એસ્ટેટ કંપનીઓમાંની એક ગણાય છે. બુર્જ ખલીફા સિવાય વિશાળ દુબઈ મોલનું નિર્માણ પણ તેમની કંપની દ્વારા જ કરવામાં આવ્યું છે.
કેટલી છે સંપત્તિ?
ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, મોહમ્મદ અલાબ્બારની અંદાજિત નેટવર્થ 2.9 અબજ ડોલર (આશરે ₹24,000 કરોડથી વધુ) છે. જોકે, તેમનો પ્રભાવ આ આંકડાઓ કરતા પણ ઘણો મોટો છે, કારણ કે તેમનું નેટવર્ક વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલું છે.
18 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
અલાબ્બારનો બિઝનેસ માત્ર દુબઈ પૂરતો મર્યાદિત નથી. તેઓ ભારત, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, ઈટાલી, તુર્કી અને ઈજિપ્ત સહિત કુલ 18 દેશોમાં પોતાનો વેપાર ચલાવે છે. રિયલ એસ્ટેટ ઉપરાંત તેમના મુખ્ય વ્યવસાયો નીચે મુજબ છે:
હોસ્પિટાલિટી: દુનિયાભરમાં 90થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ્સ.
બેંકિંગ: 'ઝેન્ડ' (Zand) નામની વિશ્વની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ બેંક લોન્ચ કરી છે.
ઈ-કોમર્સ: ગ્લોબલ પ્લેટફોર્મ નેટ-એ-પોર્ટર (Net-a-Porter) માં હિસ્સેદારી.
ટેકનોલોજી: આફ્રિકા અને તુર્કી જેવા દેશોમાં ટેક સેક્ટરમાં મોટું રોકાણ.
દુબઈને ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવામાં મોહમ્મદ અલાબ્બારનો સિંહફાળો છે. તેમની દૂરદર્શિતાને કારણે જ આજે દુબઈ રિયલ એસ્ટેટ અને પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં ટોચ પર છે.
આ પણ વાંચો:Iran America Deal: ઇરાન અમેરિકા વચ્ચે થઇ ડીલ,ઈસ્લામાબાદ નહીં પણ જીનીવામાં રચાશે ઈતિહાસ?