તાજેતરમાં ઓમાનના દરિયાકાંઠે અને હોર્મુઝની સામુદ્રધુનીમાં એક દુઃખદ અને ચિંતાજનક ઘટના બની છે. અહીં 'GFS ગેલેક્સી' નામના એક વાણિજ્યિક જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાની સૌથી ગંભીર બાબત એ છે કે જહાજ પર 11 ભારતીય નાગરિકો સવાર હતા. ઘટનાની જાણ થતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા અને રાજદ્વારી સ્તરે હલચલ મચી ગઈ છે. 11 ભારતીય નાગરિકોમાંથી 10 સુરક્ષિત છે. એકની શોધખોળ ચાલુ છે.

ઓમાનના દરિયાઇ વિસ્તારમાં હુમલો

મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઉત્તરપૂર્વીય ઓમાનના દરિયાઈ વિસ્તારમાં અચાનક ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાન દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી હોવાના અહેવાલો છે, જોકે ઓમાનની સલ્તનતે સત્તાવાર રીતે આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી. હુમલાનો ભોગ બનેલા આ વાણિજ્યિક જહાજ પર સવાર તમામ ભારતીયો માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રાહતની વાત એ છે કે, અત્યાર સુધીમાં 11 પૈકી 10 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ એક ભારતીય નાગરિક હજુ પણ ગુમ છે, જેની શોધખોળ માટેના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.

ભારત સરકારની પ્રતિક્રિયા

ભારતના વિદેશ મંત્રાલયે આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ભારત આ ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ઓમાનમાં સ્થિત ભારતીય દૂતાવાસ ત્યાંના સ્થાનિક વહીવટીતંત્ર અને ઓમાની સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે ઓમાનની સરકારના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો છે અને ખાતરી આપી છે કે ગુમ થયેલા ભારતીય નાગરિકની શોધ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

oman attack

વૈશ્વિક સુરક્ષા પર સવાલ

હોર્મુઝની સામુદ્રધુની એ વૈશ્વિક વેપાર અને ખાસ કરીને ક્રૂડ ઓઈલના પરિવહન માટેનો અત્યંત વ્યસ્ત અને મહત્વનો જળમાર્ગ છે. આવી જગ્યાએ વાણિજ્યિક જહાજો પર થતા હુમલા વૈશ્વિક સુરક્ષા માટે મોટો પડકાર છે. આ ઘટનાએ ફરી એકવાર દરિયાઈ માર્ગે થતા વેપારની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હાલમાં તમામ ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી અને ગુમ થયેલા નાગરિકની શોધખોળ એ ભારત સરકાર માટે પ્રાથમિકતા છે. આગામી સમયમાં ઓમાન અને અન્ય આંતરરાષ્ટ્રીય સત્તાવાળાઓ સાથેના સંકલનથી આ પરિસ્થિતિનો સંપૂર્ણ તાગ મેળવવામાં આવશે.

આ પણ વાંચોઃ Twisha Sharma Case: AIIMS ના ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ખુલાસો, જિમ્નેસ્ટિક્સ બેલ્ટ પર મળ્યા સ્કીનના ટિશ્યુ