વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી વિદેશ પ્રવાસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ (Anthony Albanese) એ પીએમ મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ ઉપરાંત, પીએમ મોદીને અમેરિકા (US) આવવાનું પણ આમંત્રણ મળી ચૂક્યું છે, જ્યારે યુરોપના 5 દેશોની યાત્રા બાદ તેઓ આગામી મહિને ફરી એકવાર ફ્રાન્સના પ્રવાસે પણ જવાના છે.
ભારત એક મહત્વપૂર્ણ ભાગીદાર: ફિલિપ ગ્રીન
ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર પીએમ અલ્બનીઝના ભાષણનો એક અંશ શેર કર્યો છે. આ વીડિયોમાં ઓસ્ટ્રેલિયા માટે ભારત કેટલું મહત્વનું છે તેનો ઉલ્લેખ કરાયો છે. ફિલિપ ગ્રીને લખ્યું કે, "જ્યારે તમારા વડાપ્રધાન ભારત વિશે આટલી દ્રઢતા અને ઉત્સાહ સાથે વાત કરે છે, ત્યારે હાઈ કમિશનર તરીકે તમારું કામ વધુ સાર્થક બની જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમે ઓસ્ટ્રેલિયામાં તમારું સ્વાગત કરવા માટે આતુર છીએ."
ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા
પોતાના સંબોધનમાં ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બનીઝે ભારતની પ્રશંસા કરતા કહ્યું કે, "ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આપણા ક્ષેત્રમાં આ આપણા માટે એક અસાધારણ તક છે. અમે એક પ્રશાંત (Pacific) રાષ્ટ્ર છીએ, પરંતુ અમે એક હિંદ મહાસાગર (Indian Ocean) રાષ્ટ્ર પણ છીએ. આર્થિક સહયોગ અને વ્યાપાર કરાર (ECTA) થવાથી આપણા વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બન્યા છે. આ સિવાય આપણે સંસ્કૃતિ, શિક્ષણ અને ક્રિકેટની આંતરરાષ્ટ્રીય ભાષા દ્વારા એકબીજાની વધુ નજીક આવ્યા છીએ."
પ્રવાસી ભારતીયો આ પ્રવાસને ખાસ બનાવશે
પીએમ અલ્બનીઝે ભારતની પોતાની જૂની મુલાકાતોને યાદ કરતા કહ્યું કે, ત્યાં જે આતિથ્ય અને ઉષ્મા મળે છે તે અદ્ભુત અનુભવ છે. તેમણે ઉમેર્યું, "મને ટૂંક સમયમાં જ અહીં પીએમ મોદીની યજમાની કરવાનું સૌભાગ્ય મળશે. આ એક એવું સૌભાગ્ય છે જેની હું બીજી વખત પુનરાવર્તન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું."
અલ્બનીઝના મતે, ઓસ્ટ્રેલિયામાં વસતા ૧૦ લાખથી વધુ ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાયના લોકો આ પ્રવાસને અત્યંત ખાસ બનાવી દેશે. તેમણે ઓસ્ટ્રેલિયાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં અને ત્યાંના સમાજને બહેતર બનાવવામાં ભારતીય ડાયસ્પોરાના યોગદાનની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી, જે હાલ ઓસ્ટ્રેલિયામાં સૌથી ઝડપથી વિકસતો પ્રવાસી સમુદાય છે.
આ પણ વાંચો:Gen Z:નેપાળમાં 'Gen Z'આંદોલન પર મોટો ખુલાસો, પૂર્વ પીએમ ઓલી સહિતના નેતાઓ સામે થશે કાર્યવાહી