નેપાળમાં ગયા વર્ષે થયેલા ‘Gen Z પ્રોટેસ્ટ’ને લઈને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે બુધવારે પોતાનો બહુપ્રતીક્ષિત તપાસ અહેવાલ જાહેર કર્યો છે. આ રિપોર્ટ સામે આવતા જ નેપાળના રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો છે. અહેવાલમાં દેશના પૂર્વ વડાપ્રધાનો, મંત્રીઓ, સાંસદો અને સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીઓ પર માનવાધિકાર ઉલ્લંઘન અને હિંસા ભડકાવવાના અત્યંત ગંભીર આરોપો લગાવીને તેમની સામે કડક કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે.

પૂર્વ પીએમ ઓલીના ચૂંટણી લડવા પર રોક

માનવાધિકાર આયોગના રિપોર્ટથી પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકને મોટો ઝટકો લાગ્યો છે. આયોગે આ બંને નેતાઓ પર વહીવટી સત્તાના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે અને આગામી પાંચ વર્ષ સુધી તેમના ચૂંટણી લડવા તેમજ વિદેશ પ્રવાસ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. આ ઉપરાંત, તે સમયે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેનારા તત્કાલીન સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરુંગ સામે પણ કાર્યવાહી કરવાની વાત કહેવામાં આવી છે, કારણ કે આ નિર્ણયથી જનતાની અભિવ્યક્તિની આઝાદી છીનવાઈ હતી અને સ્થિતિ વધુ વણસી હતી.

રબી લામિછાને સામે ફોજદારી કેસ ચલાવવા આદેશ

આંદોલનની આડમાં થયેલી જેલ બ્રેકની ઘટનાને આયોગે ગંભીર ગુનાહિત બાબત ગણાવી છે. આ મામલામાં સત્તારૂઢ પક્ષ ‘રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી’ (RSP) ના અધ્યક્ષ રબી લામિછાનેને મુખ્ય ગુનેગાર ગણાવીને તેમની સામે ફોજદારી મુકદ્દમો ચલાવવાની ભલામણ કરવામાં આવી છે. એટલું જ નહીં, RSPના બે સાંસદો મનીષ ઝા અને હરિ ઢકાલ પર પણ ભીડને ઉશ્કેરવાનો અને કેદીઓને ભગાડવાનું કાવતરું ઘડવાનો ગંભીર આરોપ છે. પક્ષના અન્ય ૧૫ સાંસદો સામે પણ હિંસક ભીડને ભડકાવવા અને આગજનીના આરોપસર તપાસની ભલામણ કરાઈ છે.

સુરક્ષા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું

રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આંદોલન દરમિયાન દેશભરમાં થયેલી હિંસા અને આગજનીને રોકવામાં દેશનું સુરક્ષા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હતું. આ માટે નેપાળ પોલીસના વર્તમાન વડા (IGP) દાન બહાદુર કાર્કી અને સશસ્ત્ર પોલીસ દળના વડા (IGP) નારાયણ દત્ત પૌડેલને જવાબદાર ગણીને વિભાગીય કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. જ્યારે તત્કાલીન ગુપ્તચર અને પોલીસ વડાઓને ભવિષ્યમાં કોઈપણ સરકારી પદ માટે અયોગ્ય જાહેર કરવા જણાવ્યું છે. નેપાળી સેનાની ભૂમિકાને પણ ‘શંકાસ્પદ’ ગણાવીને તેમને બંધારણીય મર્યાદામાં રહેવાની કડક સૂચના અપાઈ છે.

ગુપ્ત સંગઠનની એન્ટ્રી અને પીએમ બાલેન શાહ મૌન

તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે, ‘તિબેટ ઓરિજિન બ્લડ’ (TOB) નામના જૂથના કેટલાક શંકાસ્પદ યુવાનો ખાસ ટી-શર્ટ અને જેકેટ પહેરીને આ પ્રદર્શનમાં ઘૂસી આવ્યા હતા. આ યુવાનોએ જ પોલીસ સામે હિંસા ભડકાવી હતી, જેના કારણે પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. જો કે, આ સમગ્ર વિવાદ અને રિપોર્ટમાં વડાપ્રધાન બાલેન શાહની ભૂમિકાનો કોઈ ઉલ્લેખ ન હોવાને કારણે નેપાળના રાજકારણમાં એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો:Canadaમાં ગુજરાતી વિદ્યાર્થિનીની છરીના ઘા મારીને કરાઇ હત્યા