અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રસાદની ચોરી અને નાણાકીય ગેરરીતિઓના કથિત સમાચારોએ સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. આ ગંભીર મુદ્દાને લઈને હવે રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સંયુક્ત રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને આ સમગ્ર મામલાની તાત્કાલિક સ્વતંત્ર અને વ્યાપક તપાસ કરવાની માંગ કરી છે.
પત્રમાં શું માંગ કરવામાં આવી છે?
ખડગે અને રાહુલ ગાંધીએ તેમના પત્રમાં પીએમ મોદીને સ્પષ્ટપણે જણાવ્યું છે કે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’માં નાણાકીય ગેરરીતિઓ અને પ્રસાદની ચોરી જેવી ઘટનાઓ અત્યંત આઘાતજનક છે. તેમણે માંગ કરી છે કે ટ્રસ્ટની તમામ નાણાકીય બાબતો, જેમાં ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવેલી રોકડ રકમ, સોનું અને ચાંદી તથા પ્રસાદના સંચાલનનો સંપૂર્ણ હિસાબ તપાસવામાં આવે. નેતાઓએ આગ્રહ કર્યો છે કે તપાસના તારણો અને ટ્રસ્ટના વાર્ષિક હિસાબો સાર્વજનિક કરવામાં આવે, જેથી દેશના લાખો શ્રદ્ધાળુઓ જાણી શકે કે તેમના દ્વારા અપાયેલું દાન ક્યાં અને કેવી રીતે વપરાયું છે.
https://twitter.com/kharge/status/2078692836795637900
શ્રદ્ધાળુઓની લાગણી અને જવાબદારી
કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે પ્રસાદ ચોરીના સમાચારોથી કરોડો ભક્તોને ઊંડી ઠેસ પહોંચી છે, જેમને લાગે છે કે તેમની શ્રદ્ધા સાથે છેતરપિંડી કરવામાં આવી છે. પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર ટ્રસ્ટની રચના કરવામાં આવી હતી, પરંતુ તેના સભ્યોની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવી હતી. ટ્રસ્ટ સાથે જોડાયેલા ઘણા સભ્યો RSS અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનો સાથે સંકળાયેલા હોવાથી, પીએમ મોદીનું આ બાબતે મૌન રહેવું અસ્વીકાર્ય છે. ભક્તોની આસ્થાનું રક્ષણ કરવું એ વડા પ્રધાનની નૈતિક જવાબદારી છે.
તપાસ અને કાર્યવાહીની માગણી
ખડગે અને રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ કોઈ નાની બાબત નથી, તેથી દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી થવી અનિવાર્ય છે, પછી ભલે તે વ્યક્તિ ગમે તેટલા ઊંચા હોદ્દા પર હોય. દેશની જનતા આ મામલે સરકારના વલણને ધ્યાનથી જોઈ રહી છે.
આ વિવાદને કારણે અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની કાર્યપદ્ધતિ પર અનેક સવાલો ઊભા થયા છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે કોઈ તપાસ સમિતિની રચના કરે છે કે કેમ, કે પછી આ વિવાદ રાજકીય આરોપ-પ્રત્યારોપ વચ્ચે વધુ વકરશે. હાલમાં, આ મુદ્દો ભક્તોની શ્રદ્ધા અને મંદિરની પવિત્રતા સાથે જોડાયેલો હોવાથી તેને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા અને ચિંતા જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ Delhi માં સર્વપક્ષીય બેઠક,કિરણ રિજિજુની વિપક્ષને સલાહ, હંગામો કરવાથી કોઇ ફાયદો નહીં થાય