બંને પક્ષોની જવાબદારીઓ સ્પષ્ટ રીતે વહેંચવામાં આવી હતી, જેથી દાનની ગણતરીથી લઈને બેંકમાં જમા કરવાની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે. SITની તપાસ દરમિયાન એવા સંકેતો મળ્યા છે કે આ સમજૂતી (MoU)ની અનેક જોગવાઈઓનું નિયમિત પાલન કરવામાં આવ્યું નહોતું.


કર્મચારીઓ માટે ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો હતો

સૂત્રો અનુસાર ફેબ્રુઆરી 2025માં થયેલા MoUમાં દાનપેટી ખોલતી વખતે અને ગણતરી રૂમમાં ટ્રસ્ટ તેમજ SBIના અધિકારીઓની સંયુક્ત હાજરી ફરજિયાત રાખવામાં આવી હતી. દાનની ગણતરી કરતા કર્મચારીઓ માટે ડ્રેસ કોડ પણ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ દરેક તબક્કે તેનું યોગ્ય પાલન થયું ન હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે.

બેંકના અધિકારીઓની દર મહિને બદલી કરવાની જોગવાઈ હતી

MoUમાં બેંકના અધિકારીઓની દર મહિને બદલી (રોટેશન) કરવાની જોગવાઈ પણ હતી, જેથી એક જ વ્યક્તિ લાંબા સમય સુધી એક જ જવાબદારી પર ન રહે. જોકે, તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક કર્મચારીઓ લાંબા સમય સુધી એ જ વ્યવસ્થામાં કાર્યરત રહ્યા હતા. ઉપરાંત, ગણતરી રૂમમાં પ્રવેશતા અને બહાર નીકળતા કર્મચારીઓની નિયમિત તેમજ રેન્ડમ તપાસ, દરેક દાનપેટીની રકમનો અલગ-અલગ રેકોર્ડ રાખવો અને ક્રમબદ્ધ ગણતરી જેવી પ્રક્રિયાઓ પણ MoUનો ભાગ હતી. હવે SIT આ તમામ નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની વિગતવાર તપાસ કરી રહી છે.

રજિસ્ટરોની પણ ચકાસણી કરવામાં આવી

તપાસ એજન્સીઓ દૈનિક રિપોર્ટ બેંકમાં જમા કરાવવાની સ્લિપો અને સંબંધિત રજિસ્ટરોની પણ ચકાસણી કરી રહી છે. બીજી તરફ પોલીસે હવે આરોપીઓની આર્થિક પ્રવૃત્તિઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ધરપકડ કરાયેલા તમામ આઠ આરોપીઓ પાસેથી છેલ્લા ત્રણ વર્ષમાં ખરીદેલી ચલ અને અચલ મિલકતોની માહિતી માંગવામાં આવી છે. પૂછપરછ દરમિયાન તેઓએ કેટલી જમીન ખરીદી, મકાન બનાવ્યું કે નહીં, દાગીના અથવા અન્ય કિંમતી વસ્તુઓ ખરીદી હતી કે નહીં જેવી વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. તપાસ ટીમ આરોપીઓની આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત પણ ચકાસી રહી છે.

મુખ્ય આરોપી લવકુશે પોતાની પત્નીના નામે જમીન ખરીદી હતી 

સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી લવકુશે પોતાની પત્નીના નામે જમીન ખરીદી હતી અને તેના પર ત્રણ માળનું ભવ્ય મકાન બનાવવામાં આવ્યું છે, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. અનુકલ્પની સંપત્તિઓની પણ પોલીસ તપાસ કરી રહી છે. તે જ રીતે ટિન્નુ યાદવના બેંક ખાતાની વિગતો પણ તપાસવામાં આવી રહી છે. તેના ઘરેથી કેટલાક દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

ખાનગી સુરક્ષાકર્મીઓની ભૂમિકા પણ તપાસના કેન્દ્રમાં 

આ કેસમાં હવે મંદિરની સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલા ખાનગી સુરક્ષાકર્મીઓની ભૂમિકા પણ તપાસના કેન્દ્રમાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ લગભગ 400 ખાનગી સુરક્ષાકર્મીઓની ફરજો, તેમની કામગીરી અને સંદિગ્ધ પ્રવૃત્તિઓની તપાસ કરવામાં આવી રહી છે. મંદિરના મુખ્ય પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો, દર્શન પથ તેમજ ચઢાવો લઈ જવાના માર્ગો પર તેમની તૈનાતી રહેતી હતી. તપાસમાં એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચઢાવાની ચોરીના આરોપીઓ ઉપરાંત દલાલી સાથે સંકળાયેલા કેટલાક લોકો સુરક્ષાકર્મીઓની બેદરકારી અથવા મળતાવળનો લાભ લઈ રહ્યા હતા. SIT હવે સમગ્ર મામલાની દરેક દિશામાં તપાસ કરીને જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી આગળ વધારી રહી છે.

  • Follow us on: