અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે જોડાયેલા દાન ચોરીના કેસમાં તપાસ હવે બેન્કિંગ સિસ્ટમ સુધી પહોંચી ગઈ છે. પોલીસે આ મામલે મોટું પગલું ભરતાં ભારતીય સ્ટેટ બેન્ક (SBI), કેનેરા બેન્ક અને બેન્ક ઓફ બરોડા સહિત કુલ 6થી 7 બેન્કોને નોટિસ મોકલી છે.
પોલીસે બેન્કો પાસેથી ટ્રસ્ટ સાથે જોડાયેલા તમામ ખાતાઓ, લોકર અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના રેકોર્ડ માગ્યા છે. તપાસ એજન્સીઓ હવે એ જાણવા પ્રયાસ કરી રહી છે કે દાનની રકમનો પ્રવાહ ક્યાં સુધી ગયો અને તેમાં ક્યાંક કોઈ નાણાકીય ગેરરીતિ તો નથી થઈ. ટ્રાન્ઝેક્શન ટ્રેલના આધારે સમગ્ર પૈસાની હલચાલ ટ્રેસ કરવામાં આવી રહી છે.
કેસમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે
આ સાથે ટ્રસ્ટ અને આરોપીઓ સાથે જોડાયેલા લોકોના બેન્કિંગ અને ફાઈનાન્શિયલ રેકોર્ડની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પોલીસને આશા છે કે બેન્ક વિગતો સામે આવ્યા બાદ કેસમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે. બેંક કર્મચારીઓ અને કેશ હેન્ડલિંગમાં સામેલ સ્ટાફની ભૂમિકા પણ તપાસ હેઠળ છે. તપાસમાં મુખ્ય ધ્યાન એ બાબતે છે કે દાનની ગણતરી, તેની સુરક્ષા અને બેન્ક સુધી પહોંચાડવાની પ્રક્રિયામાં ક્યાં ક્યાં સ્તરે બેદરકારી અથવા મિલીભગત થઈ હતી. SBIની નયા ઘાટ શાખાના બે કર્મચારીઓ રત્નેશ અને ગગનદીપ પણ તપાસના દાયરામાં છે. આ બંને બેન્કના પેરોલ પર કામ કરતા કર્મચારી છે, જ્યારે તેમના નીચે છ આઉટસોર્સિંગ કર્મચારીઓ પણ કાર્યરત હતા.
તમામ આરોપીઓ પહેલેથી જ પોલીસની ધરપકડમાં
આ તમામ આરોપીઓ પહેલેથી જ પોલીસની ધરપકડમાં છે. પોલીસ હવે બેન્ક મૅનેજર સહિત સંબંધિત અધિકારીઓના નિવેદનો નોંધવાની તૈયારી કરી રહી છે. તપાસ ટીમે બેંકના સીસીટીવી ફૂટેજ, કેશ મૂવમેન્ટ અને અન્ય દસ્તાવેજો પણ જપ્ત કરી વિશ્લેષણ શરૂ કર્યું છે, જેથી સમગ્ર ગેરરીતિનો પર્દાફાશ થઈ શકે.
આ પણ વાંચો : Trainee Aircraft Crash : ઉત્તરપ્રદેશમાં ટ્રેઈની એરક્રાફ્ટ થયું ક્રેશ, મહિલા પાયલટ થઈ ઘાયલ