ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં સોમવારે સાંજે એક ટ્રેઈની એરક્રાફ્ટ ક્રેશ થતાં ચકચાર મચી ગઈ. અલીગઢ સ્થિત ચેતક એવિએશનનું ટ્રેનિંગ વિમાન ઉડાન દરમિયાન અચાનક નિયંત્રણ ગુમાવીને નિર્માણાધીન હાઈવે પર પડી ગયું. આ અકસ્માતમાં વિમાન ઉડાવી રહેલી ટ્રેઈની મહિલા પાયલટ ઘાયલ થઈ છે, જેમને તરત જ સ્થાનિક લોકો અને પોલીસની મદદથી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
વિમાનનું સંતુલન અચાનક બગડી ગયું
સદનસીબે આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી. અકસ્માત પોલીસ લાઈન પાછળના નિર્માણાધીન હાઈવે પર લગભગ સાંજે ચાર વાગ્યાની આસપાસ થયો હતો. ઉડાન દરમિયાન વિમાનનું સંતુલન અચાનક બગડી ગયું અને તે વીજળીના તારામાં ફસાઈ ગયું હતું. ત્યારબાદ વિમાને નિયંત્રણ સંપૂર્ણ રીતે ગુમાવ્યું અને તે સીધું હાઈવે પર ક્રેશ થયું હતું.
લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વિમાન જમીન પર પડતાં જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને પ્રશાસનની ટીમો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. દુર્ઘટના પહેલાં લગભગ અડધો કલાક સુધી ટ્રેઈની પાયલટ સાથે સંપર્ક થઈ શક્યો ન હતો. વિમાનમાં માત્ર મહિલા પાયલટ જ સવાર હતી. સ્થાનિક લોકોએ પોલીસ સાથે મળીને ઘાયલ પાયલટને વિમાનમાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી.
અંતિમ રિપોર્ટ બાદ જ સાચું કારણ સ્પષ્ટ થશે
હાલ પોલીસ અને પ્રશાસન દ્વારા ઘટનાસ્થળને સીલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. ટેક્નિકલ તપાસ દ્વારા વિમાન ક્રેશ થવાનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં વીજતારોમાં ફસાઈ જવું અને સંતુલન ગુમાવવું કારણ હોવાનું સામે આવ્યું છે, પરંતુ અંતિમ રિપોર્ટ બાદ જ સાચું કારણ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : Pune Ketan Agarwal Murder Case: સિયા, ચેતન 3 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયા