અયોધ્યાના શ્રીરામજન્મભૂમિ મંદિર પરિસરમાં સેવા આપતા પૂજારીઓ માટે નવી નિયમાવલી તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી છે. રામલલા સહિત પરિસરના અન્ય મંદિરોમાં સેવા આપતા પૂજારીઓ માટે વસ્ત્રોથી લઈને ગર્ભગૃહમાં પ્રવેશ અને સેવાકાળ દરમિયાનના વ્યવહાર સુધીના નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
પીળાં વસ્ત્રો અને તિલક ફરજિયાત
નવી વ્યવસ્થા મુજબ પૂજારીઓએ ધર્મ સમિતિ દ્વારા નિર્ધારિત પીળાં વસ્ત્રો પહેરવાના રહેશે. ઋતુ અને હવામાન પ્રમાણે વસ્ત્રોમાં જરૂરી ફેરફાર કરી શકાશે. સેવાકાળ દરમિયાન તિલક લગાવવું ફરજિયાત રહેશે. સાથે જ પંચકેશી પરંપરાનું પાલન કરવાનું રહેશે.
ગર્ભગૃહમાં મોબાઇલ અને પર્સ નહીં લઈ જઈ શકાય
પૂજારીઓ હવે ગર્ભગૃહમાં મોબાઇલ ફોન, પર્સ અથવા અન્ય કોઈપણ ખાનગી વસ્તુ લઈ જઈ શકશે નહીં. મંદિર વ્યવસ્થા દ્વારા આપવામાં આવતા ભોગ-પ્રસાદ સિવાય બહારની કોઈ સામગ્રી પણ ગર્ભગૃહમાં લઈ જવા પર પ્રતિબંધ રહેશે. ખાનગી સામાન રાખવા માટે લોકરની વ્યવસ્થા કરવામાં આવી છે.
શૌચ બાદ સ્નાન કર્યા વિના પ્રવેશ નહીં
નવી નિયમાવલીમાં શારીરિક શુચિતાને લઈને પણ સ્પષ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે. શૌચ કર્યા બાદ સ્નાન કર્યા વિના પૂજારીઓ મંદિર અથવા કોઠારમાં પ્રવેશ કરી શકશે નહીં. સેવાકાળ દરમિયાન પોતાના નિર્ધારિત સેવા સ્થળે હાજર રહેવું પડશે.
સ્થળ છોડવું હોય તો લેખિત જાણ કરવી પડશે
સેવાકાળ દરમિયાન કોઈ જરૂરી કારણસર નિર્ધારિત સ્થળ છોડવું પડે તો શિફ્ટ ઇન્ચાર્જને લેખિત જાણ કરવાની રહેશે. પૂજારીઓને તેમની ફરજ દરમિયાન મંદિરની આંતરિક વ્યવસ્થા અને નિર્ધારિત સેવા પદ્ધતિનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
સેવાકાળ દરમિયાન વાતચીત અને હાસ્ય-મજાક પર રોક
પૂજારીઓને સેવાકાળ દરમિયાન અનાવશ્યક વાતચીત, સમૂહમાં ચર્ચા અને હાસ્ય-મજાકથી દૂર રહેવા જણાવાયું છે. મંદિર વ્યવસ્થા, ધર્મગુરુ અને આચાર્યો સિવાય ટ્રસ્ટના કર્મચારીઓ અથવા સુરક્ષાકર્મીઓ સાથે પણ અનાવશ્યક સંપર્ક અને વાતચીત ટાળવાની સૂચના આપવામાં આવી છે.
નિયમોના ભંગ બદલ શુદ્ધિકરણની જોગવાઈ
મંદિરની નિર્ધારિત મર્યાદાનો ભંગ થાય તો શુદ્ધિકરણની પ્રક્રિયા અપનાવવાની જોગવાઈ રાખવામાં આવી છે. નિયમોનું વારંવાર ઉલ્લંઘન થાય તો કાર્યવાહી પણ થઈ શકે છે. નવી નિયમાવલીનો હેતુ પૂજા પદ્ધતિ, શુચિતા અને મંદિરની આંતરિક વ્યવસ્થામાં શિસ્ત જાળવવાનો છે.
આ પણ વાંચો : Cyclone Alert : બંગાળની ખાડીમાંથી આવી રહ્યું છે 'અર્નવ' વાવાઝોડું..!
આ પણ વાંચો : Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત