અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરી મામલે થયેલી કથિત ચોરીના મામલે હવે દેશની સર્વોચ્ચ કોર્ટ સુધી મુદ્દો પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરીને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને માહિતીનો અધિકાર (RTI) કાયદાની કલમ 2(હ) હેઠળ જાહેર સત્તાધિકારી જાહેર કરવાની માગ કરવામાં આવી છે. અરજી વકીલ અનુપ પ્રકાશ અવસ્થીએ દાખલ કરી છે.
ટ્રસ્ટના વહીવટમાં પારદર્શિતા વધશે
અરજીમાં દલીલ કરવામાં આવી છે કે ટ્રસ્ટના આવક-જાવકના હિસાબ, દાનની રકમ અને નાણાકીય વ્યવહારો અંગેની માહિતી સામાન્ય નાગરિકો માટે ઉપલબ્ધ હોવી જોઈએ. તેનાથી ટ્રસ્ટના વહીવટમાં પારદર્શિતા વધશે અને જવાબદારી પણ નિશ્ચિત થશે. અરજીમાં વધુમાં જણાવાયું છે કે ટ્રસ્ટ પાસે રહેલી તમામ સંપત્તિ ભગવાન શ્રીરામની છે, તેથી તેના સંચાલનમાં સંપૂર્ણ પારદર્શિતા અનિવાર્ય છે.
સરકારે SIT બનાવી
અરજદારે સુપ્રીમ કોર્ટને 9 નવેમ્બર, 2019ના અયોધ્યા ચુકાદામાં ટ્રસ્ટની રચના, તેની કાનૂની સ્થિતિ અને સત્તાઓ અંગે આપવામાં આવેલા નિર્દેશોની સ્પષ્ટ વ્યાખ્યા કરવાની પણ વિનંતી કરી છે. આ દરમિયાન રામ મંદિરમાં દાનની કથિત ચોરીના કેસની તપાસ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) કરી રહી છે. મળતી માહિતી મુજબ તપાસ અહેવાલ ટૂંક સમયમાં સરકારને સોંપવામાં આવી શકે છે. અહેવાલમાં માત્ર સંડોવાયેલા લોકોની ઓળખ જ નહીં, પરંતુ સુરક્ષા અને દેખરેખની વ્યવસ્થામાં ક્યાં ખામીઓ રહી તે અંગે પણ માહિતી આપવામાં આવશે. સાથે જ દાનના સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી ભલામણો પણ કરવામાં આવશે.
પુરાવાની તપાસ ચાલી રહી છે
SITએ સ્પષ્ટ કર્યું છે કે તપાસ હજુ પૂર્ણ થઈ નથી. અંતિમ અહેવાલ તૈયાર કરતા પહેલાં બેન્ક વ્યવહારો, નાણાકીય દસ્તાવેજો, CCTV ફૂટેજ, ઈલેક્ટ્રોનિક પુરાવા અને સાક્ષીઓના નિવેદનોની વિગતવાર તપાસ ચાલી રહી છે. ઉપરાંત, લાંબા સમય સુધી કથિત ગેરરીતિ બહાર ન આવવા પાછળ જે અધિકારીઓની બેદરકારી જવાબદાર હોઈ શકે છે, તેમની ભૂમિકાની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. અંતિમ હકીકતો તપાસ અહેવાલ રજૂ થયા બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : UP Politics : અયોધ્યા બાદ હવે મથુરા-વૃંદાવનમાં સપા વિરુદ્ધ પોસ્ટર વોર, જાણો શું છે આખો વિવાદ?