દેશની સૌથી આધુનિક અને સેમી-હાઈ-સ્પીડ ટ્રેન ગણાતી વંદે ભારત એક્સપ્રેસને લઈને ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ રેલવે નેટવર્ક વિસ્તારી રહી છે, તો બીજી તરફ ઓછા મુસાફરોને કારણે રાજસ્થાનના બે મહત્વના રૂટ પર વંદે ભારત સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

કઈ ટ્રેનો બંધ થશે?

રેલવેના સત્તાવાર જાહેરનામા મુજબ, રાજસ્થાનના પ્રવાસન હબ ગણાતા ઉદયપુરથી ચાલતી બે ટ્રેનોને બંધ કરવામાં આવી રહી છે:

ટ્રેન નંબર 20979/80 (ઉદયપુર - જયપુર - ઉદયપુર): આ ટ્રેન 14 ફેબ્રુઆરી, 2026 થી પાટા પરથી ઉતરી જશે (બંધ થશે).

ટ્રેન નંબર 20981/82 (ઉદયપુર - આગ્રા કેન્ટ - ઉદયપુર): આ સેવા 15 ફેબ્રુઆરી, 2026 થી સ્થગિત કરવામાં આવશે.

રેલવેએ આ નિર્ણય કેમ લેવો પડ્યો?

જોકે રેલવેએ કોઈ સત્તાવાર કારણ જાહેર કર્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ રૂટ પર મુસાફરોનો ધસારો (ઓક્યુપન્સી) અપેક્ષા કરતા ઘણો ઓછો રહ્યો છે. ઓપરેટિંગ ખર્ચની સરખામણીએ આવક ઓછી હોવાને કારણે અને રૂટના પુનર્ગઠનની વિચારણાને પગલે આ કડક નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મનાય છે. આ સમાચારથી નિયમિત મુસાફરોમાં ગભરાટ અને નિરાશા જોવા મળી રહી છે.

ગુજરાત-રાજસ્થાન માટે નવી આશા

બે ટ્રેનો બંધ થવાની સામે રેલવેએ એક નવી ભેટ પણ આપી છે. ઉદયપુર શહેર અને અમદાવાદના અસારવા વચ્ચે નવી વંદે ભારત ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે. આ ટ્રેન (નં. 26963/64) મંગળવાર સિવાય અઠવાડિયાના છ દિવસ દોડશે. તે ઉદયપુરથી સવારે 6:10 વાગ્યે ઉપડીને 10:25 વાગ્યે અસારવા પહોંચશે, જ્યારે પરત ફરતી વખતે સાંજે 5:45 વાગ્યે અસારવાથી ઉપડી રાત્રે 10:00 વાગ્યે ઉદયપુર પહોંચશે. આનાથી રાજસ્થાન અને ગુજરાત વચ્ચેના વ્યાપારી સંબંધો વધુ મજબૂત બનશે.

વંદે ભારતની સફર

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, 2019માં શરૂ થયેલી આ સેવા આજે 82 રૂટ પર 164 ટ્રેનો સુધી પહોંચી ગઈ છે. આધુનિક સસ્પેન્શન, સીસીટીવી, ઓટોમેટિક દરવાજા અને 'કવચ' જેવી સુરક્ષા પ્રણાલીથી સજ્જ આ ટ્રેનો ભારતીય રેલવેનો નવો ચહેરો બની છે. ઉદયપુર-અસારવા ટ્રેન આ કડીમાં નવો ઉમેરો છે, જે મુસાફરોને ઝડપી અને આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે.

આ પણ વાંચોઃ India Close: આજે ભારત બંધનું એલાન, બેંકિંગ, પરિવહન અને શાળાઓ....જાણો શું ચાલું અને શું રહેશે બંધ?