દિલ્હી એનસીઆર નજીક આવેલ બલ્લભગઢના સિહી ગામમાંથી એક હૃદયકંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રવિવારે સાંજે ઘરના આંગણામાં રમતી વખતે અઢી વર્ષની માસુમ બાળકી અચાનક એક જૂના ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને ચીસાચીસ મચી ગઈ હતી. બાળકી બોરવેલમાં પડી હોવાની જાણ થતાં જ પરિવારે બૂમાબૂમ કરી મૂકી હતી, જેનાથી ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
રમતા રમતા અઢી વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં ખાબકી
ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક ગ્રામજનોએ પોતાની રીતે બાળકીને બચાવવાના પ્રાથમિક પ્રયાસો શરૂ કર્યા હતા અને તાત્કાલિક પોલીસને પણ જાણ કરી હતી. પોલીસની ટીમે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું અને વિસ્તારને કોર્ડન કર્યો હતો. બાળકીના પિતા રામદીન સિહી ગામમાં મકાન ભાડે રાખીને રહે છે, જ્યાં આ જૂનો બોરવેલ આવેલો હતો. આ ઘટનાથી બાળકીના પિતા અને પરિવારજનો ભારે આઘાતમાં સરી પડ્યા છે.
