લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) માં એક વિદ્યાર્થીની સાથે બળાત્કાર થયો હોવાની અફવાઓને પગલે શનિવારથી શરૂ થયેલો વિરોધ પ્રદર્શન હવે વધુ હિંસક બન્યો છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ નેશનલ હાઇવે બ્લોક કરી દેતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. સ્થિતિ મધ્યસ્થી બહાર જતાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને સરકારી વાહનોને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

LPU બહાર વિરોધ પ્રદર્શનમાં હિંસા

જાલંધરના SSP હરવિંદર સિંહ વિર્કે જણાવ્યું હતું કે પોલીસે વિદ્યાર્થી પ્રતિનિધિઓ અને મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરી છે તેમજ FIR ની નકલ અને SIT અંગેની વિગતો શેર કરી છે. બીજી તરફ, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે તેમનો વિરોધ શાંતિપૂર્ણ હતો, પરંતુ રાત્રિના સમયે બહારથી આવેલા અસામાજિક તત્વોએ યુનિવર્સિટીની મિલકતમાં તોડફોડ અને આગચંપી કરીને સ્થિતિ વણસાવી છે.

તોડફોડ અને આગચંપીમાં પોલીસકર્મીઓ ઘાયલ

LPU ના રજિસ્ટ્રાર ડૉ. મોનિકા ગુલાટીએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતોને તદ્દન ખોટી, બનાવટી અને પાયાવિહોણી ગણાવી છે. તેમણે લોકોને આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. વધુમાં, વિદ્યાર્થી પાંખના ડીન સૌરભ લખનપાલે જણાવ્યું હતું કે યુનિવર્સિટી તમામ પ્રકારની તપાસ માટે તૈયાર છે અને વિદ્યાર્થી પ્રતિનિધિઓને CCTV ફૂટેજ બતાવીને સમગ્ર તપાસ પ્રક્રિયામાં પારદર્શિતા રાખવા પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો: Bangladesh: ગુજરાતની માછલી મુદ્દે બાંગ્લાદેશમાં બબાલ, ઢાકાથી કોલકાતા સુધી હિલસાનો ક્રેઝ!