છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને બાંગ્લાદેશમાં હિલસા માછલી (ઇલિશ) ચર્ચાના કેન્દ્રમાં છે. ગુજરાતના નર્મદા પ્રદેશમાંથી મોટી માત્રામાં હિલસા માછલી બાંગ્લાદેશ નિકાસ કરવામાં આવી હતી. ઢાકા અને અન્ય શહેરોના બજારોમાં વેપારીઓએ તેને અસલી 'પદ્મા હિલસા' તરીકે વેચી હતી. પરંતુ જ્યારે બંગાળી ગ્રાહકોએ તે રાંધી ત્યારે સ્વાદમાં મોટો તફાવત જણાતાં વિવાદ સર્જાયો હતો. આખરે બાંગ્લાદેશે ભારતમાંથી હિલસાની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ગુજરાતની હિલસા માછલી મુદ્દે બાંગ્લાદેશમાં બબાલ
બંગાળી સમુદાય માટે હિલસા માત્ર એક વાનગી નથી પરંતુ ચોમાસાની એક પવિત્ર વિધિ સમાન છે. 1947માં ભારત અને બંગાળના ભાગલા થયા હોવા છતાં બંને દેશોના બંગાળીઓ વચ્ચે હિલસાનો ક્રેઝ અકબંધ રહ્યો છે. 600 વર્ષ પહેલાં લખાયેલા મધ્યયુગીન ગ્રંથ "પ્રાકૃતપંગલમ" માં પણ ગરમાગરમ ભાત, ઘી, શણના પાન અને હિલસા માછલીના ભોજનને આદર્શ ગણાવવામાં આવ્યું છે. સાહિત્યકાર માણિક બંદોપાધ્યાયની રચનાઓથી લઈને ગોપાલ ભરની વાર્તાઓમાં પણ આ માછલીનો ખાસ ઉલ્લેખ મળે છે.
