સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થવાના નિર્ણય બાદ પાકિસ્તાન વિશ્વભરના વિવિધ મંચ પર ભારત સામે પાયાવિહોણા આરોપો લગાવી રહ્યું છે. પાકિસ્તાની રાજકારણીઓથી લઈને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સુધીના નેતાઓ ભારતને ધમકીઓ આપી રહ્યા છે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ નિર્ણયને "યુદ્ધનું કૃત્ય" ગણાવ્યું હતું. પાકિસ્તાનનો દાવો છે કે ભારત પાણીને શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહ્યું છે, જેનાથી તેની ખાદ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા જોખમાઈ રહી છે.
સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનનો બફાટ
સિંધુ જળ બાબતોના ભારતના પૂર્વ કમિશનર પી.કે. સક્સેનાએ 'નાટસ્ટ્રેટ'માં લખેલા લેખમાં પાકિસ્તાનની આ વ્યૂહરચનાનો સખત પર્દાફાશ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાનમાં જળ અને ખાદ્ય સુરક્ષાનો મુખ્ય પડકાર જમ્મુ અને કાશ્મીરમાં ભારતના એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ નથી, પરંતુ ઇસ્લામાબાદનું નબળું શાસન છે. પાકિસ્તાની વિદેશ મંત્રી ઇશાક ડાર દ્વારા આપવામાં આવતા નિવેદનો માત્ર પોતાની સ્થાનિક નિષ્ફળતાઓ અને આર્થિક તંગી પરથી જનતાનું ધ્યાન હટાવવાનો એક પ્રયાસ છે.
