દેશભરમાં યોજાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક જેવી ગંભીર ઘટનાઓ રોકવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પોતાની સુરક્ષા વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો છે. 2024 ના NEET-UG પેપર લીક કેસમાં CBI તપાસ દરમિયાન સામે આવેલી ક્ષતિઓ બાદ, ગૃહ મંત્રાલયની મંજૂરીથી નવી દિલ્હીસ્થિત NTA ના ગોપનીય વિભાગોમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના 39 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ દળ સંવેદનશીલ પરીક્ષા સામગ્રી અને ગુપ્ત વિસ્તારો પર 24 કલાક કડક દેખરેખ રાખશે.
NTA ની સુરક્ષામાં મોટો ફેરફાર
NTA એ તેના ગુપ્ત અને સંવેદનશીલ કામકાજને જૂની ઓખલા ઓફિસથી મિન્ટો રોડ પર આવેલી સરકારી 'ભારત પ્રેસ બિલ્ડિંગ'માં સ્થાનાંતરિત કર્યું છે, જ્યાં તેને 55,000 ચોરસ ફૂટથી વધુ જગ્યા (૪થા, ૫મા અને ૬ઠ્ઠા માળનો ભાગ) ફાળવવામાં આવી છે. ગુપ્ત વિસ્તારોમાં અનધિકૃત પ્રવેશ અટકાવવા માટે પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર X-Ray બેગેજ સ્કેનિંગ મશીન અને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર (DFMDs) ગોઠવવામાં આવ્યા છે. કોઈપણ કર્મચારી કે મુલાકાતીની યોગ્ય તપાસ કર્યા વિના પ્રવેશ આપવામાં આવશે નહીં.
