ભારત સરકાર દેશમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા વિદેશી નાગરિકો પ્રત્યે કડક વલણ અપનાવી રહી છે. વિદેશ મંત્રાલયે (MEA) સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં અવૈધ રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને કાયદાકીય પ્રક્રિયા અને દ્વિપક્ષીય વ્યવસ્થા હેઠળ પરત મોકલવામાં આવશે.

2860થી વધુ કેસો પેન્ડિંગ

સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ પાસે નાગરિકતા ચકાસણીના ૨૮૬૦ થી વધુ કેસ પેન્ડિંગ છે. આમાંથી ઘણા કેસો એવા છે જે છેલ્લા ૫ વર્ષથી વધુ સમયથી અટવાયેલા છે. ભારત સરકારે બાંગ્લાદેશને આ પ્રક્રિયામાં ઝડપ લાવવા વિનંતી કરી છે જેથી પ્રવાસીઓની વાપસી સુચારુ રીતે થઈ શકે.

 ભાજપની જીત પર બાંગ્લાદેશનું વલણ

પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ભાજપની જીત બાદ બાંગ્લાદેશના વિદેશ બાબતોના સલાહકાર ખલીલુર રહેમાનની ટિપ્પણી પર પણ મંત્રાલયે પ્રતિક્રિયા આપી હતી. રહેમાને તીસ્તા જળ કરાર પર તાત્કાલિક વિચાર કરવાની અપીલ કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આવી ટિપ્પણીઓને અવૈધ બાંગ્લાદેશીઓની વાપસીના મુદ્દાના સંદર્ભમાં જોવી જોઈએ.

બાંગ્લાદેશનું સત્તાવાર વલણ એવું છે કે તેઓ માત્ર તે જ વ્યક્તિઓને સ્વીકારશે જેઓ કાયદેસર રીતે બાંગ્લાદેશી સાબિત થાય. હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નાગરિકતા ચકાસણી અને અન્ય મુદ્દાઓ પર મડાગાંઠ યથાવત છે, પરંતુ ભારત હવે આ પ્રક્રિયાને વેગ આપવાના મૂડમાં છે.


આ પણ વાંચો:Israel:હિઝબુલ્લાહના 220થી વધુ આતંકીઓનો ખાતમો,લેબનાનમાં સીઝફાયર વચ્ચે ઇઝરાયેલનો હુમલો