મહારાષ્ટ્રના રાજકારણમાં “દાદા” તરીકે ઓળખાતા અજિત પવાર તેમની કડક શિસ્ત, સમયપાલન અને સ્પષ્ટ વિચારધારા માટે પ્રસિદ્ધ રહ્યા છે. બહુ ઓછા રાજકારણીઓ એવા હોય છે જે દિવસની શરૂઆત વહેલી સવારથી કામ સાથે કરે, પરંતુ અજિત પવાર માટે સવારે 6 વાગ્યે કામ શરૂ કરવું સામાન્ય બાબત હતી.


સવારમાં જ વિકાસ કાર્યનું નિરીક્ષણ

અજિત પવાર જ્યારે પણ બારામતીમાં હાજર રહેતા, ત્યારે તેઓ સવારમાં જ વિકાસ કાર્યનું નિરીક્ષણ કરવા નીકળી પડતા. બારામતીના મેયર સચિન સાતવ મુજબ, દાદા વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સ જોવા પહોંચતા. આ કારણે અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓ પણ સમયસર હાજર રહેતા અને કામમાં કોઈ ઢીલાશ ન રહેતી.

નિવાસસ્થાન પર પણ આવી જ કાર્યશૈલી

મુંબઈમાં આવેલા તેમના સત્તાવાર નિવાસસ્થાન પર પણ આવી જ કાર્યશૈલી જોવા મળતી. અજિત પવાર સવારે 6 વાગ્યે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જતા અને તેમના વિભાગના અધિકારીઓ પણ વહેલી સવારથી તેમના ફોન અથવા બંગલા પર હાજરી આપવા તૈયાર રહેતા. તેમની આ શિસ્તબદ્ધ જીવનશૈલીને કારણે પ્રશાસનમાં કામ કરવાની ગતિ વધુ તેજ બની હતી.

 6 વખત નાયબ મુખ્યમંત્રી

અજિત પવાર 6 વખત નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ માત્ર રાજકોષીય નીતિના નિષ્ણાત જ નહોતા, પરંતુ ગ્રામિણ વિકાસ અંગે પણ ઊંડી સમજ ધરાવતા હતા. અનેક સરકારોમાં નાણામંત્રી તરીકે કામ કર્યાને કારણે તેમને વિકાસ માટે કેટલો ખર્ચ યોગ્ય છે તેની સ્પષ્ટ સમજ હતી. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત 1982માં સહકારી ખાંડ મિલના બોર્ડ સભ્ય તરીકે કરી હતી. આ કારણે સહકારી ક્ષેત્ર અને બેંકિંગ સિસ્ટમ પર તેમની મજબૂત પકડ બની. આ જ બાબતને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પણ જાહેરમાં સ્વીકારી છે.

 નશીલા પદાર્થોના સખત વિરોધી

અજિત પવાર તમાકુ, ગુટખા, પાન અને દારૂ જેવા નશીલા પદાર્થોના સખત વિરોધી હતા. તેઓ પોતે આ વસ્તુઓથી સંપૂર્ણ દૂર રહેતા અને તેનો ઉપયોગ કરનારાઓને જાહેરમાં ઠપકો આપવા પણ સંકોચતા નહોતા. તેમના કાકા શરદ પવારને મોઢાના કેન્સરથી પીડાતા જોઈને તેમનું નશા વિરોધી વલણ વધુ મજબૂત બન્યું.

પૂર્વ ગૃહમંત્રી R.R પાટીલને પણ કેન્સર

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી R.R પાટીલને પણ કેન્સર થયું હતું. પાટીલ અજિત પવારથી નાના હોવા છતાં, દાદા તેમને તેમના તમાકુના વ્યસન બાબતે જાહેરમાં ટોકતા હતા. તેમના માટે આરોગ્ય અને શિસ્ત માત્ર વ્યક્તિગત બાબત નહીં, પરંતુ સામાજિક જવાબદારી હતી.

આ પણ વાંચો : Baramati plane crash : અજિત પવાર અને બારામતી વચ્ચે ત્રણ દાયકા જૂનો સંબંધ, જાણો


  • Follow us on: