ભારતીય રેલવેના એસી કોચમાં મુસાફરી દરમિયાન મળતા બેડરોલ (ચાદર, ટુવાલ, ધાબળા) મુસાફરોની સુવિધા માટે હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સુવિધા કર્મચારીઓ માટે આર્થિક બોજ બની ગઈ છે. એક ચોંકાવનારા અહેવાલ મુજબ, વર્ષ 2022 થી મે 2026 વચ્ચે 1.27 કરોડ બેડરોલ ચોરાઈ ગયા છે, અને આ નુકસાનની ભરપાઈ ટ્રેન એટેન્ડન્ટ્સના પગારમાંથી કરવામાં આવે છે.

ચોરીના આંકડા અને તેની ગંભીરતા

છેલ્લા ચાર વર્ષમાં થયેલી આ ચોરીઓમાં 56 ટકા જેટલો જંગી વધારો થયો છે. આ ચોરીઓનું કુલ મૂલ્ય આશરે ₹૧૦૪.૫૧ કરોડ જેટલું છે. ચોરાયેલી વસ્તુઓમાં સૌથી વધુ સંખ્યામાં ટુવાલ (46.54 લાખ), ત્યારબાદ બેડશીટ, ઓશિકાના કવર અને ધાબળાનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં વસ્તુઓનું ગાયબ થવું એ મુસાફરોની નૈતિક જવાબદારી પર પ્રશ્નાર્થ ચિન્હ મુકે છે.

એટેન્ડન્ટની લાચારી

આ આખી પ્રક્રિયામાં સૌથી વધુ નુકસાન તે ગરીબ એટેન્ડન્ટ્સને થાય છે જેઓ દિવસના ₹700 જેટલા નજીવા પગાર પર કામ કરે છે. જો કોઈ કોચમાંથી વસ્તુ ગુમ થાય, તો કોન્ટ્રાક્ટર દ્વારા તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે છે. એક એટેન્ડન્ટના જણાવ્યા મુજબ, ચાદર માટે ₹198, ઓશિકા માટે ₹115, ટુવાલ માટે ₹48 અને ધાબળા માટે ₹343 જેવી રકમ તેમના પગારમાંથી કાપી લેવામાં આવે છે. ઘણીવાર તો આ વસૂલાતનું પ્રમાણ બમણું પણ હોય છે.

ચાદર ચોરીને કારણે એટેન્ડન્ટમાંથી કપાય છે પગાર

એક એટેન્ડન્ટે વેદના વ્યક્ત કરતા કહ્યું કે, દિવસ-રાત મહેનત કરવા છતાં લિનન (ચાદર, ઓશીકા) ની ચોરીને કારણે તેમને દર મહિને પોતાના પગારમાંથી ₹2,000 થી ₹3,000 ગુમાવવા પડે છે. તેમની પાસે કોઈ વિકલ્પ હોતો નથી કારણ કે તેઓ કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરે છે અને જવાબદારી સીધી તેમની માથા પર હોય છે.

રેલવેની મિલકત એ દેશની સંપત્તિ

રેલવે પ્રશાસન દ્વારા લેવામાં આવતા આ કડક પગલાં ચોરી અટકાવવા માટે હોઈ શકે છે, પરંતુ તેના કારણે સામાન્ય કામદારોનું શોષણ થઈ રહ્યું છે. મુસાફરોએ એ સમજવું જરૂરી છે કે રેલવેની મિલકત એ દેશની સંપત્તિ છે અને તેની ચોરી કરવાથી કોઈ સરકારી અધિકારીને નહીં, પણ એક સામાન્ય મજૂરને આર્થિક ફટકો પડે છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર વસૂલાત નથી, પરંતુ મુસાફરોમાં જાગૃતિ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની છે. જો મુસાફરોની માનસિકતા નહીં બદલાય, તો આ ગરીબ કર્મચારીઓ પરનો અન્યાય ચાલુ જ રહેશે.

આ પણ વાંચોઃ ફ્રીઝરમાં બનતા 'શિવલિંગ'નું રહસ્ય, જાણો તેની પાછળનું ટેકનિકલ કારણ શું?