કર્ણાટકની રાજધાની બેંગલુરુના બ્રુકફિલ્ડ વિસ્તારમાં આવેલી એક અગ્રણી આઈટી કંપનીના પરિસરમાં સંચાલિત ડેકેર સેન્ટરમાંથી એક હૃદયદ્રાવક અને કંપાવી નાખનારી ઘટના સામે આવી છે. અહીં કામ કરતા કર્મચારીઓના માસૂમ બાળકોની સંભાળ રાખવાને બદલે તેમની સાથે એવી ક્રૂરતા આચરવામાં આવી છે કે જેણે સમગ્ર સમાજને શરમમાં મૂકી દીધો છે. આ મામલે પોલીસે પાંચ આયાઓ (નોકરાણીઓ) વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી છે.
ક્રૂરતાની તમામ હદો પાર
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોએ વાલીઓની ઊંઘ હરામ કરી દીધી છે. આરોપ છે કે ડેકેર સેન્ટરમાં ફરજ પરની આયાઓ જ્યારે બાળકો રડતા કે જીદ કરતા, ત્યારે તેમને ચૂપ કરાવવા માટે અત્યંત ઘાતક અને અમાનવીય પદ્ધતિઓ અપનાવતી હતી. વીડિયોમાં એક બાળકને વોશિંગ મશીનની અંદર ફેંકી દેવામાં આવ્યું હોવાનું દ્રશ્ય દેખાય છે, જે જોઈને કોઈપણનું કાળજું કંપી ઉઠે. આટલું જ નહીં, બાળકોના મોંમાં બળજબરીથી ટોયલેટ જેટ સ્પ્રે પાઇપનું પાણી રેડવા જેવી ગંદી હરકતો પણ કરવામાં આવી છે.
https://twitter.com/HateDetectors/status/2072605781925507540
બાળકો રડે તો ટોઇલેટમાં બંધ કરી દેવાતા
વધુમાં, નાના બાળકોને ટોઇલેટમાં બંધ કરી દેવા અને તેમને ડરાવી-ધમકાવીને ચૂપ રહેવા માટે મજબૂર કરવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. વીડિયોમાં ડરથી ચીસો પાડતા બાળકોની સ્થિતિ જોઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ આખી ઘટનાએ આઈટી કંપનીઓમાં કામ કરતા માતા-પિતાની સુરક્ષા અને તેમના બાળકોની દેખરેખ વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
https://twitter.com/sirajnoorani/status/2072514273079885836
પોલીસ કાર્યવાહી અને તપાસનો ધમધમાટ
ચાઇલ્ડ હેલ્પલાઇનને ફરિયાદ મળ્યા બાદ, HAL પોલીસ સ્ટેશને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી હતી. પ્રારંભિક તપાસમાં ડેકેર સેન્ટરમાં ફરજ બજાવતી પાંચ મહિલાઓ સામે ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, વાયરલ વીડિયોની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે જેથી સત્યતા ચકાસી શકાય. પોલીસે આ વિસ્તારને સીલ કરી દીધો છે અને ડેકેર સેન્ટરના મેનેજમેન્ટની ભૂમિકા અંગે પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Japan PMને મોદીએ ગણાવી નાની બહેન, AIથી લઇને ફાર્મા ડિફેન્સ સેક્ટરમાં કર્યા કરાર