કર્ણાટકની રાજધાની બેંગલુરુ પાસે આજે વહેલી સવારે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. હોસ્કોટ-દબાસ્પેટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયેલા આ ભયાનક અકસ્માતે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે. એક બેકાબૂ કાર, બાઇક અને કેન્ટર વચ્ચે થયેલી આ ત્રિપાંખિયા જંગ જેવી અથડામણમાં સાત લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

એક સાથે અનેક વાહનો ટકરાયા

પોલીસ તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત હોસ્કોટની બહારના ભાગમાં આવેલા એમ. સત્યવારા ગામ પાસે થયો હતો. એક તેજ રફ્તાર કાર હોસ્કોટથી દેવનહલ્લી તરફ જઈ રહી હતી. ડ્રાઈવરે વાહન પરથી કાબૂ ગુમાવતા કારે સૌ પ્રથમ પોતાની આગળ જઈ રહેલી એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર હવામાં ફંગોળાઈને સામેથી આવતા એક કેન્ટર વાહન સાથે અથડાઈ હતી. આ દરમિયાન અન્ય એક કાર પણ આ અકસ્માતની ઝપેટમાં આવી ગઈ હતી.

https://twitter.com/ANI/status/2022167118033387617

કારમાં સવાર મુસાફરો લોખંડના પતરાની વચ્ચે ફસાયા

અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર મુસાફરો લોખંડના પતરાની વચ્ચે ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને પોલીસના જણાવ્યા મુજબ, કારમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા, જ્યારે બાઈક સવારનું પણ ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું. હાઈવે પર લોહીના ખાબોચિયા અને વાહનોના અવશેષો વિખરાયેલા જોવા મળ્યા હતા.

અકસ્માત પાછળનું મુખ્ય કારણ 'ઓવર-સ્પીડિંગ'

પોલીસ સૂત્રોના પ્રાથમિક અનુમાન મુજબ, આ અકસ્માત પાછળનું મુખ્ય કારણ 'ઓવર-સ્પીડિંગ' એટલે કે વધુ પડતી ગતિ છે. મૃત્યુ પામેલા લોકોમાં છ વ્યક્તિઓ બેંગલુરુના કોઠાનુર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જોકે હજુ સુધી તેમની સત્તાવાર ઓળખ જાહેર કરવામાં આવી નથી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્કોટની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાઈવે પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે કે શું ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે અન્ય કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી.

આ પણ વાંચોઃ જેસલમેરમાં વાયુશક્તિ પ્રદર્શન 2026ની તૈયારી, જુઓ Photos