બેંગલુરુમાં સ્થિત ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ના મુખ્યાલયને ગુરુવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ હતી. એક અજ્ઞાત ઇમેઇલ દ્વારા મળેલી આ ધમકીને પગલે સમગ્ર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થાને કડક કરી દેવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

સુરક્ષા એજન્સીઓની ત્વરિત કાર્યવાહી

ધમકી મળ્યાની સાથે જ બેંગલુરુ પોલીસની ટીમો, ડોગ સ્ક્વોડ, અને બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS) દ્વારા ISRO હેડક્વાર્ટરના પરિસરને ઘેરી લેવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગરૂપે, ઇમારતમાં કામ કરતા તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કલાકો સુધી ચાલેલી સઘન તપાસ અને કોમ્બિંગ ઓપરેશન બાદ પણ કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યું ન હતું. તપાસના અંતે આ ઇમેઇલ સંપૂર્ણપણે નકલી અને ભ્રામક હોવાનું સ્પષ્ટ થયું હતું. હાલમાં સંજયનગર પોલીસ સ્ટેશન દ્વારા ઇમેઇલ મોકલનારની ઓળખ કરવા અને આ કૃત્ય પાછળના ઈરાદાઓને શોધવા માટે સઘન તપાસ કરવામાં આવી રહી છે.

નકલી ધમકીઓનું વધતું પ્રમાણ

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી મહત્વપૂર્ણ સંસ્થાઓ અને જાહેર સ્થળોને ઇમેઇલ દ્વારા બોમ્બની નકલી ધમકીઓ આપવાનો સિલસિલો વધ્યો છે. આ અગાઉ ૨૯ જૂનના રોજ પણ દિલ્હી પોલીસે આવી જ રીતે અનેક સંસ્થાઓ અને એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બની નકલી ધમકી આપનાર એક 36 વર્ષીય વ્યક્તિની ગાઝિયાબાદથી ધરપકડ કરી હતી. તે વ્યક્તિ ૨૦૦૮ થી માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સારવાર હેઠળ હોવાનું પણ સામે આવ્યું હતું.

અસમાજિક તત્વો દ્વારા ડર ફેલાવવાનો પ્રયાસ 

આવી નકલી ધમકીઓ આપવી એ માત્ર ગેરકાયદેસર જ નહીં, પરંતુ જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો અને સુરક્ષા એજન્સીઓનો કિંમતી સમય બગાડવાનો ગંભીર ગુનો છે. આઈટી કંપનીઓ હોય કે સંશોધન સંસ્થાઓ, અસામાજિક તત્વો દ્વારા ડર ફેલાવવાના પ્રયાસો સામે પોલીસ તંત્ર સતર્ક છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવતા આવા ગુનાઓને શોધી કાઢવા માટે સાયબર સેલ પણ વધુ સક્રિય બન્યું છે. સુરક્ષા એજન્સીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

આ પણ વાંચોઃ Supreme Court: કાયદાકીય પ્રક્રિયામાં AI નો અંધાધૂંધ ઉપયોગ 'વિનાશક', SCની ગંભીર ચેતવણી