સમુદ્રની ઊંડાઈ પોતાનામાં એક અદ્ભુત અને રહસ્યમય દુનિયા છુપાવીને બેઠી છે. આ પાણીની અંદરની સૃષ્ટિ રંગબેરંગી કોરલ રીફ (પ્રવાળ ખડકો) અને દુર્લભ દરિયાઈ જીવોથી સમૃદ્ધ છે. સમુદ્રમાં ડાઇવિંગ કરવાનો અનુભવ તમને એક એવી સ શાંત અને સુંદર દુનિયામાં લઈ જાય છે જે તમારા મનને રોમાંચ અને આશ્ચર્યથી ભરી દે છે. જો તમને પ્રવાસ દરમિયાન સાહસ (એડવેન્ચર) પસંદ હોય અને તમે દરિયાઈ સૃષ્ટિને નજીકથી જોવા માંગતા હોવ, તો વિદેશ જવાની જરૂર નથી. ભારતમાં જ સ્કુબા ડાઇવિંગ અને સ્નોર્કલિંગ માટે 6 શ્રેષ્ઠ સ્થળો આવેલા છે:

1. હેવલોક ટાપુ (સ્વરાજ ટાપુ, આંદામાન): પાણીની અંદરની દુનિયાનું આ સ્વર્ગ ગણાય છે. અહીંનું પાણી એટલું પારદર્શક છે કે ૩૦ મીટર ઊંડાઈ સુધી સ્પષ્ટ જોઈ શકાય છે. અહીં ક્લોનફિશ, પોપટફિશ અને રંગબેરંગી કોરલ બગીચાઓ જોવા મળે છે. એલિફન્ટ બીચ ડાઇવર્સ માટે ખૂબ જ લોકપ્રિય છે.

2. નીલ ટાપુ (શહીદ ટાપુ, આંદામાન): પોર્ટ બ્લેરથી આશરે ૩૬ કિમી દૂર આવેલો આ ટાપુ શાંતિ અને પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો છે. અહીંના ભરતપુર, લક્ષ્મણપુર અને સીતાપુર બીચ પર નવશિકિયાઓ સ્નોર્કલિંગ અને અનુભવી લોકો ડાઇવિંગની મજા માણી શકે છે.

3. કાવરત્તી (લક્ષદ્વીપ): સ્વચ્છ વાદળી પાણી અને દુર્લભ કોરલ રીફ ધરાવતો આ ટાપુ ચિત્ર જેવો સુંદર છે. અહીં દરિયાઈ કાચબા, રેર માછલીઓ અને કાયાકિંગ, સ્કુબા ડાઇવિંગ તથા ગ્લાસ-બોટ રાઇડનો અદ્ભુત આનંદ મળે છે. અહીં જવા માટે પરમિટ લેવી ફરજિયાત છે.

4. નેત્રાણી ટાપુ (કર્ણાટક): 'કબૂતર ટાપુ' તરીકે ઓળખાતો અને અરબી સમુદ્રમાં સ્થિત આ નાનો, હૃદય આકારનો ટાપુ મુરુડેશ્વરથી ૧૯ કિમી દૂર છે. નેવી સંરક્ષણ હેઠળ હોવાથી અહીં ટાપુ પર જવાની મનાઈ છે, પરંતુ બોટ ટ્રીપ અને ડાઇવિંગ દ્વારા ટ્રિગરફિશ અને મોરે ઇલ જેવી માછલીઓ જોઈ શકાય છે.

5. ગ્રાન્ડે આઇલેન્ડ (ગોવા): દક્ષિણ ગોવાના કિનારે આવેલો આ ટાપુ નાઇટલાઇફ સિવાય વોટર સ્પોર્ટ્સ અને ડોલ્ફિન સાઇટિંગ માટે જાણીતો છે. અહીં સ્કુબા ડાઇવિંગ કરતી વખતે ખડકાળ સમુદ્રતળ અને જૂના જહાજોના અવશેષો (શિપરેક) જોવા મળે છે.

6. કોવલમ (કેરળ): વિશ્વપ્રસિદ્ધ કોવલમ બીચ અને ૧૧૮ ફૂટ ઊંચા લાલ-સફેદ વિઝિંજમ લાઇટહાઉસ પાસે સાહસિકો માટે સ્કુબા ડાઇવિંગ અને વોટર એડવેન્ચરના ઉત્તમ વિકલ્પો ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ World Menopause Day: મહિલાઓને ટાઇમ પહેલા જ થઇ રહ્યુ છે મોનોપોઝ, જાણો કારણો અને જોખમો