મુંબઈમાં બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના કર્મચારીઓની લાંબા સમયથી પડતર માગણીઓને લઈને BEST વર્કર્સ યુનિયને આંદોલન વધુ ઉગ્ર બનાવવાનો નિર્ણય લીધો છે. યુનિયનના મહાસચિવ શશાંક રાવે 18 ઓગસ્ટથી અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ શરૂ કરવાની જાહેરાત કરી છે. 

પડતર પગાર કરારોના તાત્કાલિક અમલની માગ

આ આંદોલનમાં BESTના વર્તમાન કર્મચારીઓ ઉપરાંત ખાનગી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી વેટ-લીઝ બસોના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓની માગણીઓ પણ ઉઠાવવામાં આવશે. યુનિયનની મુખ્ય માગણીઓમાં 2016થી 2021 અને 2021થી 2026ના લાંબા સમયથી પડતર પગાર કરારોનો તાત્કાલિક અમલ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કર્મચારીઓ માટે સાતમા પગાર પંચની ભલામણો લાગુ કરવાની અને મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓ સમાન પગાર ધોરણ આપવાની માંગ કરવામાં આવી છે.

યુનિયને BESTની નાણાકીય સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી

વેટ-લીઝ બસોના કર્મચારીઓ માટે પણ યુનિયને 'સમાન કામ માટે સમાન વેતન'ના સિદ્ધાંત હેઠળ પગાર અને સુવિધાઓ આપવાની માગ કરી છે. નિવૃત્ત કર્મચારીઓની ગ્રેચ્યુઈટી અને અન્ય અંતિમ બાકી રકમ સમયસર ચૂકવવાની માગ પણ કરવામાં આવી છે. યુનિયને BESTની નાણાકીય સ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. BESTના સંચાલન માટે જરૂરી નાણાકીય ભંડોળ તાત્કાલિક મંજૂર કરવાની માગ કરવામાં આવી છે.

યુનિયનના જણાવ્યા અનુસાર, 18 ઓગસ્ટે સવારે 11:30 વાગ્યે મુંબઈના ઓપેરા હાઉસ સ્થિત 42 કેનેડી બ્રિજ ખાતે BEST વર્કર્સ યુનિયનની ઓફિસમાં ભૂખ હડતાળ શરૂ થશે. શશાંક રાવે જણાવ્યું છે કે કર્મચારીઓની પડતર માગણીઓ અંગે નિર્ણય ન આવે ત્યાં સુધી આ ભૂખ હડતાળ ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો : Jharkhand : વિદ્યાર્થીઓની મોટી જીત, TDPL દ્વારા લેવાયેલી તમામ પરીક્ષાઓ રદ્દ જાહેર