આજના આધુનિક યુગમાં દીકરીઓએ સાબિત કરી દીધું છે કે તેઓ કોઈપણ ક્ષેત્રમાં દીકરાઓથી જરાય પાછળ નથી. 'દીકરી વ્હાલનો દરિયો' હોવાની સાથેસાથે હવે સાહસ, બુદ્ધિ અને પરાક્રમનું પ્રતીક પણ બની છે. શિક્ષણથી લઈને રમતગમત, અવકાશ વિજ્ઞાન, સંરક્ષણ દળો અને ઉદ્યોગ જગત સુધી, દરેક ક્ષેત્રે દીકરીઓએ પોતાની અદ્ભુત પ્રતિભાના બળે ડંકો વગાડ્યો છે.

આજે ફાઈટર પ્લેન ઉડાડવાથી લઈને દેશની સરહદોની રક્ષા કરવા સુધીના જોખમી કાર્યોમાં આપણી દીકરીઓ અગ્રેસર છે. પરિવાર અને સમાજની રૂઢિચુસ્ત માનસિકતાને તોડીને તેઓ દરેક મુશ્કેલ લક્ષ્યને સર કરી રહી છે. દીકરીઓની આ સફર માત્ર તેમની પોતાની પ્રગતિ નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રના સશક્તિકરણની મજબૂત કહાની છે. દીકરીઓનો આ વિકાસ દેશના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે.આજે ભારતની એક દીકરીએ ગર્વથી દેશનું નામ રોશન કર્યુ છે. ભારતીય વાયુસેના (IAF) માં ભારતની પ્રથમ મહિલા ટોપ ગન પાયલટ બનીને ઇતિહાસ રચ્યો છે.આજે દેશને તે દીકરી પર ખૂબ જ ગર્વ છે. આજે આ સિદ્ધિ હાંસલ કરીને તેણે સાબિત કરી દીધુ છે કે હમારી છોરિયા છોરોસે કમ હૈ કે?

ભારતની દીકરીએ કરી બતાવ્યું

સ્ક્વોડ્રન લીડર ભાવના કંથે ગ્વાલિયર ખાતે આવેલા પ્રખ્યાત ટેક્ટિક્સ એન્ડ એર કોમ્બેટ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (TACDE)માંથી અત્યંત પ્રતિષ્ઠિત "ફાઇટર કોમ્બેટ લીડર" (FCL) કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ સિદ્ધિ મેળવનાર તે ભારતની પ્રથમ મહિલા પાઇલટ બની છે. આ 20 અઠવાડિયાનો અત્યંત સખત અને કઠિન કાર્યક્રમ છે, જેમાં પસંદગી પામવા માટે વાયુસેનાના માત્ર 1 % જેટલા જ ઉત્કૃષ્ટ પાઇલટ્સની પસંદગી કરવામાં આવે છે.

ભાવના કંથે રચ્યો નવો રેકોર્ડ

આ પ્રતિષ્ઠિત કોર્સની તુલના અમેરિકાના પ્રખ્યાત "ટોપ ગન" પ્રોગ્રામ સાથે કરવામાં આવે છે. આ તાલીમ અધિકારીઓને અત્યાધુનિક લડાઇ યુક્તિઓ, ઓપરેશનલ સિદ્ધાંતો, મિશન આયોજન, ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને નેટવર્ક-કેન્દ્રિત કામગીરી જેવા જટિલ ક્ષેત્રોમાં નિપુણતા પ્રદાન કરે છે. આ સફળતા માત્ર ભાવના કંથ માટે જ નહીં, પરંતુ ભારતીય લડાઇ ઉડ્ડયનમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક દેશની તમામ યુવતીઓ માટે એક મોટી પ્રેરણા સમાન છે. આ સિદ્ધિની સાથે સાથે, સંરક્ષણ ક્ષેત્રમાં મહિલાઓ માટે નવા રસ્તા ખૂલી રહ્યા છે, જેનું ઉત્તમ ઉદાહરણ કેપ્ટન શિવાની સેહરાવતના આર્મી ચીફના એઇડ-ડી-કેમ્પ (ADC) તરીકે થયેલી નિયુક્તિ પણ છે.

સંરક્ષણ ક્ષેત્રમાં મહિલાઓની મોટી ઉડાન

ઉલ્લેખનીય છે કે સ્ક્વોડ્રન લીડર ભાવના કંથ અગાઉ પણ અનેક ઐતિહાસિક સિદ્ધિઓ પોતાના નામે કરી ચૂકી છે. જૂન 2016 માં અવની ચતુર્વેદી અને મોહના સિંહ સાથે તેણી ભારતીય વાયુસેનામાં પ્રથમ ત્રણ મહિલા ફાઇટર પાઇલટ્સમાં સામેલ થઈ હતી. આ ઉપરાંત, મે 2019 માં મિગ-21 બાઇસન એરક્રાફ્ટ પર દિવસના યુદ્ધ મિશન માટે લાયકાત મેળવીને વાસ્તવિક યુદ્ધ મિશન ઉડાડનાર તે ભારતની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બની હતી, ત્યારબાદ તેમણે શક્તિશાળી સુખોઈ Su-30 MKI એરક્રાફ્ટ પણ સફળતાપૂર્વક ઉડાડ્યું છે.

રક્ષા માટે દરેક ક્ષેત્રે અગ્રેસર દીકરીઓ

આ કોર્સ પૂર્ણ કર્યા બાદ હવે તે ફ્રન્ટલાઇન વ્યૂહરચના વિકસાવવા, શસ્ત્રોના ઉપયોગનું સંચાલન કરવા અને ઓપરેશનલ પ્લાનિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ફાઇટર સ્ટ્રીમ મહિલાઓ માટે ખુલીને એક દાયકો થયો છે, અને આ ટૂંકા સમયગાળામાં ભારતીય મહિલાઓએ સાબિત કરી દીધું છે કે તેઓ દેશની રક્ષા માટે દરેક ક્ષેત્રે અગ્રેસર રહેવા સક્ષમ છે.

આ પણ વાંચોઃ NEET Paper Leak 2026: NEET પેપરલીક કોણે કરાવ્યું? CBIની ચાર્જ શીટમાં મોટો ખુલાસો