ભારત-અમેરિકા મુક્ત વેપાર કરાર (FTA) ના વિરોધમાં પંજાબના હજારો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા માટે શંભુ, ખાનૌરી અને કુંડલી સરહદો પર મોટી સંખ્યામાં એકઠા થયા છે. દેશ બચાવો મોરચાના આહ્વાન પર થઈ રહેલા આ આંદોલનને કારણે સરહદો પર ભારે તણાવ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. હરિયાણા પોલીસે કુંડલી બોર્ડર પર ત્રણ-સ્તરીય બેરિકેડિંગ અને કોંક્રિટની દિવાલો બનાવીને સુરક્ષા સઘન કરી દીધી છે, જ્યારે ભારતીય દંડ સંહિતાની કલમ 163 પણ લાગુ કરવામાં આવી છે.

બે મહત્વપૂર્ણ માંગણીઓ સ્વીકારી લીધી 

આ બધાની વચ્ચે, ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે હરિયાણા સરકારે તેમની બે મહત્વપૂર્ણ માંગણીઓ સ્વીકારી લીધી છે. સરકારે અટકાયત કરવામાં આવેલા ખેડૂત નેતાઓને મુક્ત કરવા અને કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે બેઠક ગોઠવવા પર સંમતિ દર્શાવી છે. ભારતીય કિસાન યુનિયન (ચાદુની) ના વડા ગુરનામ સિંહ ચાદુનીને અગાઉ પોલીસે અટકાયતમાં લીધા હતા. ખેડૂત નેતા સર્વન સિંહ પંધેરે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતો દિલ્હી જવા માટે તૈયાર છે, પરંતુ તેઓ કોઈ પણ પ્રકારના બેરિકેડ તોડશે નહીં અને સરકાર સાથે વાતચીત દ્વારા માર્ગ કાઢશે. હાલ ખેડૂતો હરિયાણાના મંત્રી શ્યામ સિંહ રાણાના પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા છે.

ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે પ્રસ્તાવિત FTA કારણ

ખેડૂતોનો મુખ્ય વિરોધ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે પ્રસ્તાવિત FTA સામે છે. તેમનું માનવું છે કે જો આ કરાર લાગુ કરવામાં આવશે, તો દેશની કૃષિ પ્રથા, ડેરી ઉદ્યોગ અને ગ્રામીણ લોકોના જીવનનિર્વાહ પર અત્યંત વિપરીત અસર પડશે. વિદેશી ઉત્પાદનોના અનિયંત્રિત ધસારાથી સ્થાનિક અને નાના ખેડૂતોના વ્યવસાયો સંપૂર્ણપણે ખોરવાઈ જવાની ભીતી છે. બિન-રાજકીય સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજૂર મોરચાના દિગ્ગજ નેતાઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં સક્રિયપણે જોડાઈ રહ્યા છે.
પોલીસ દળો તૈનાત 
વહીવટીતંત્રે કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે પોલીસ દળોને રમખાણ વિરોધી ગિયર સાથે તૈનાત કર્યા છે. અમૃતસર અને ગુરદાસપુરથી આવેલો ખેડૂતોનો કાફલો હાલ શંભુ સરહદ પર રોકાયેલો છે અને આગામી રણનીતિ ઘડી રહ્યો છે. સમગ્ર દેશની નજર આ આંદોલન અને સરકાર સાથેની બેઠકના પરિણામો પર છે, કારણ કે તે દેશની વેપાર નીતિ અને ખેડૂતોના આર્થિક ભવિષ્યને સીધી રીતે પ્રભાવિત કરે છે.

સમાચાર અપડેટ થઇ રહ્યા છે


આ પણ વાંચોઃ  CJP Protest: સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં ખસેડાશે, દિલ્હી હાઇકોર્ટે પરવાનગી આપી