કોલ્ડરિફ કફ સિરપથી થયેલા બાળકોના મોત મામલે મધ્યપ્રદેશ પોલીસે એક જિલ્લા કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. પોલીસે કહ્યું કે ધરપકડ કરેલા ડોક્ટર પ્રવિણ સોનીએ પૂછપરછ દરમિયાન કબુલ કર્યું છે કે તેમને દવા લખવા માટે દવા કંપની પાસેથી 10 ટકા કમિશન મળી રહ્યું હતું.
ડોક્ટરે કેન્દ્ર સરકારની 2023ની ગાઈડલાઈનનું પાલન કર્યું નથી
ડોક્ટર સોની અને ઘણા અન્ય ડોક્ટરોએ બાળકોને અન્ય બિમારી હોવા છતાં પણ સિરપની સલાહ આપવાનું ચાલું રાખ્યું અને આ બેદરકારી કફ સિરપના સેવનથી થયેલા મોત મામલે સીધા તાર જોડી રહી છે. છિંદવાડામાં 24 બાળકોના મોત મામલે આ નવો ખુલાસો થઈ રહ્યો છે. 8 ઓક્ટોબરે કોર્ટે ડોક્ટર પ્રવિણ સોનીને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે ડોક્ટરે કેન્દ્ર સરકારની 2023ની ગાઈડલાઈનનું પાલન કર્યું નથી, જેમાં 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ના આપવાનો નિર્દેશ આપ્યો હતો.
કમિશન માટે બાળકોને આપી જીવલેણ દવા!
પોલીસે કોર્ટને જણાવ્યું કે ડોક્ટર પ્રવિણ સોનીએ પોતાના મેમોરેન્ડમમાં કબૂલ કર્યું કે કોલ્ડરિફ સિરપ બાળકોની દવા તરીકે લખવા માટે કંપની દ્વારા તેમને 10 ટકાનું કમિશન આપવામાં આવતું હતું. પોલીસે તેને તબીબી નૈતિકતા અને ફરજનું ગુનાહિત ઉલ્લંઘન' ગણાવ્યું છે. જ્યા આરોપીએ દર્દીની સુરક્ષાની જગ્યાએ 10 ટકા કમિશનના ફાયદાને પ્રાથમિકતા આપી. આરોપીના ખાનગી ક્લિનિકની બાજુમાં જ તેમના સગા સંબંધીઓના મેડિકલ છે અને કોલ્ડરિફ સીરપનો સ્ટોકિસ્ટ પણ તેમના પરિવારનો સભ્ય છે.
સિરપના સેવન બાદ બાળકો ગંભીર રીતે બીમાર પડ્યા
પોલીસે કોર્ટમાં જણાવ્યું કે દર્દીમાં પ્રતિકુળ પ્રતિક્રિયાઓના રિપોર્ટ છતાં ડોક્ટરે કોઈ ચેતવણી આપી નહીં અને ના સ્વાસ્થ્ય અધિકારીઓને તેની જાણકારી આપી. તપાસ કરી રહેલા લોકોએ કહ્યું કે ડોક્ટર જાણતા હતા કે તેમના દ્વારા લખવામાં આવેલી દવાઓ અને કોલ્ડરિફ સિરપના સેવન બાદ બાળકોમાં પેશાબ અટકી જવો, ગંભીર રીતે બીમાર થવું અને કિડનીમાં ઈન્ફેક્શન જેવી સમસ્યા થઈ રહી છે. ત્યારબાદ પણ તેમને અન્ય બાળકોને ખતરનાક અને જીવલેણ કોલ્ડરિફ સિરપનો હેવી ડોઝ આપ્યો, જેનાથી બાળકોનું સારવાર દરમિયાન મોત થયું.