બિહાર વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પ્રચારમાં જોડાયા છે. સિવાનમાં એક જાહેર સભાને સંબોધતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકોને લાલુ પ્રસાદ યાદવના શાસનની યાદ અપાવી. તેમણે કહ્યું કે ભૂતપૂર્વ સાંસદ શહાબુદ્દીને સિવાનને લોહીથી લથપથ છોડી દીધું હતું. તેમણે NDA સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમની પાર્ટી નીતીશ કુમારના નેતૃત્વમાં આ ચૂંટણી લડી રહી છે.


સિવાનની ભૂમિ લોહીથી લથબથ હતી- અમિત શાહ 

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું બિહારમાં ઉમેદવારોના નામાંકન પછી, હું સિવાનના લોકો સાથે વાતચીત કરવા માટે સૌપ્રથમ આવ્યો છું. 20 વર્ષ સુધી, લાલુ યાદવ અને રાબડી દેવીના જંગલ રાજ દરમિયાન, સિવાન શહાબુદ્દીનના ડર, અત્યાચાર અને હત્યાઓ સહન કરી ચૂક્યો છે. સિવાનની ભૂમિ લોહીથી લથપથ હતી, પરંતુ સિવાનના લોકો ઝૂક્યા નહીં. તેમણે લાલુ અને રાબડીના જંગલ રાજનો અંત લાવ્યો."

બિહારને જંગલરાજથી મુક્તિ મળી 

તેમણે કહ્યું લાલૂ યાદવે ફરીથી રઘુનાથપુરથી શહાબુદ્દીનના પુત્રને ટિકિટ આપી છે. હું સિવાનના લોકોને કહેવા આવ્યો છું કે હવે મોદી અને નીતિશ કુમારનું શાસન છે. જો સો શહાબુદ્દીન આવે તો પણ કોઈને નુકસાન નહીં થાય. જંગલરાજનો અંત એ નીતિશ કુમારનું યોગદાન છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે આખા બિહારને જંગલરાજમાંથી મુક્ત કરાવ્યું અને અમે તેમના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યા છીએ.

શહાબુદ્દીનની વિચારધારાને અસ્તિત્વમાં આવા દઇશું નહી- અમિત શાહ 

આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ કહ્યું, "જો તમે છેલ્લા 20 વર્ષમાં કોઈ વિકાસ કાર્ય કર્યું હોય, તો સિવાનના લોકોને કહો. તમે કોઈ વિકાસ કર્યો નથી, પરંતુ તમે ઘાસચારા કૌભાંડ, નોકરી માટે જમીન કૌભાંડ, રેલ્વે હોટલ કૌભાંડ, બીપીએસસી ભરતી કૌભાંડ કર્યું છે, અને અપ્રમાણસર સંપત્તિના કેસમાં પણ ફસાયેલા છો. વાસ્તવિક દિવાળી 14 નવેમ્બરે ઉજવવામાં આવશે જ્યારે લાલુના પુત્રના સુપડા સાફ થશે. અમે ઓસામાને જીતવા નહીં દઈએ. અમે શહાબુદ્દીનની વિચારધારાને અસ્તિત્વમાં આવવા દઈશું નહીં.


અમે દેશમાંથી પસંદગીપૂર્વક ઘુસણખોરોને બહાર કાઢીશું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘુસણખોરીના મુદ્દા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે રાહુલ બાબા કહે છે કે ઘુસણખોરોને બિહારમાં રહેવા દો. સિવાનના લોકો, મને કહો, ઘુસણખોરોને બિહારમાંથી હાંકી કાઢવા જોઈએ કે નહીં? ઘુસણખોરોને મતદાર યાદીમાં સામેલ કરવા જોઈએ? ફરી એકવાર NDA સરકાર બનાવો, અમારી સરકાર દેશમાંથી દરેક ઘુસણખોરને પસંદગીપૂર્વક બહાર કાઢવાનું કામ કરશે.


  • Follow us on: