બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. 200થી વધારે બેઠકો પર એનડીએની બહુમતી જોવા મળી રહી છે. બીજેપી અને જેડીયુ બંને પાર્ટીમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ સવાલ એ થાય કે હવે બિહારના સીએમ કોણ હશે. આ સવાલનો જવાબ હજી સ્પષ્ટ નથી. ત્યારે બીજેપીના મહાસચિવ વિનોદ તાવડેએ એવુ નિવેદન આપ્યું છે જેનાથી આગામી સીએમ નીતિશ કુમાર બનશે કે કેમ તેની પર સસ્પેન્સ વધી ગયું છે.


પાંચેય પક્ષો સાથે મળીને નિર્ણય લેશે - વિનોદ તાવડે

આ અંગે વિનોદ તાવડેએ કહ્યું હતું કે અમે નીતિશ કુમારના નેતૃત્વમાં બિહાર ચૂંટણી લડી હતી. મુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય પાંચેય પક્ષો સંયુક્ત રીતે લેશે. ભાજપ અને જેડીયુ ઉપરાંત, એનડીએમાં જીતન રામ માંઝીની પાર્ટી એચએએમ, ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આરએમએલ અને ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીઆરનો સમાવેશ થાય છે.


બિહારમાં એનડીએ સુનામી!

બપોરે 3:30 વાગ્યા સુધીના ચૂંટણી પંચના ડેટા અનુસાર ભાજપ 94 બેઠકો પર આગળ છે. નીતિશ કુમારની પાર્ટી 84 બેઠકો પર આગળ છે. આરજેડી 25 બેઠકો પર, ચિરાગ પાસવાનની પાર્ટી 19 બેઠકો પર, એઆઈએમઆઈએમ 6 બેઠકો પર, એચએએમ 5 બેઠકો પર, ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી 4 બેઠકો પર અને અન્ય 6 બેઠકો પર આગળ છે. ઉલ્લેખનીય છે કે બિહાર ચૂંટણીના ઇતિહાસમાં આ ભાજપનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. ભાજપે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. 2010ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 91 બેઠકો જીતી હતી.


ભાજપ સૌથી મોટો પક્ષ બનવા તરફ આગળ 

ભાજપ બિહારમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે.મુખ્યમંત્રી પદની વાત કરીએ તો મહાગઠબંધનની જેમ એનડીએએ ચૂંટણી પહેલાં કોઈ ઔપચારિક જાહેરાત કરી ન હતી. જોકે, ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝીએ જણાવ્યું હતું કે નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે. નીતિશ કુમાર બિહારમાં નવ વખત શપથ લઈ ચૂક્યા છે. તેઓ દસમી વખત શપથ લઈ લેશે કે નહીં તે હવે જોવુ રહ્યું. 

  • Follow us on: