કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બિહારના બે દિવસના પ્રવાસે આવ્યા અને ચૂંટણીની તૈયારીઓ ઝડપી બનાવી છે. તેઓ ભાજપના નેતાઓ અને કાર્યકરોને પણ મળ્યા અને ચૂંટણી જીતનો મંત્ર આપ્યો છે. પટનામાં ભાજપ કાર્યાલયમાં રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ અને બિહારના ચૂંટણી પ્રભારીની હાજરીમાં ગૃહપ્રધાને 12 રાજ્યના 45 સાંસદ અને 45 ધારાસભ્યને મળ્યા. આ સાથે બિહાર વિધાનસભાના ચૂંટણી જંગમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને જમ્મુ અને કાશ્મીરના પ્રતિનિધિઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
લોકસભા મતવિસ્તારો માટે જવાબદારી સોંપવામાં આવી
ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપે મતદાન મથકથી લઈને લોકસભા અને વિધાનસભા મતવિસ્તારો સુધી મજબૂત નેટવર્ક બનાવવા માટે 45 નેતાનું એક ખાસ દળ તૈનાત કર્યું છે. આ નેતાઓ વિવિધ રાજ્યોના છે અને તેમને દરેક લોકસભા મતવિસ્તાર માટે જવાબદારી સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં વિધાનસભા સ્તરે પણ નેતાઓની એક ફોજ તૈનાત કરવામાં આવશે. પટનામાં યોજાયેલી બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહની સાથે બિહાર ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, સહ-પ્રભારી સીઆર પાટીલ અને કેશવ પ્રસાદ મૌર્ય અને બિહાર પ્રભારી વિનોદ તાવડે સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં નેતાઓને તેમના કાર્યો વિશે માહિતી આપવામાં આવી હતી અને મિશન બિહારને જીતવાની જવાબદારી સોંપવામાં આવી હતી.













