બિહારમાં યાદવ પરિવારમાં અંદરોઅંદર ચાલી રહેલી લડાઇ બહાર આવી હતી. લાલુ પ્રસાદ યાદવના મોટા દિકરાને એટલે કે તેજ પ્રતાપ યાદવને આરજેડી પાર્ટી અને પરિવારમાંથી કાઢી મૂકાયા. જે બાદ આજે પહેલીવાર તેમની પ્રતિક્રિયા સામે આવી છે . તેમણે કહ્યું કે હું એ લોકોનું નામ ઉજાગર કરીશ કે જેણે મારી સાથે આમ કર્યુ છે. તેમણે કહ્યું કે બિહારની જનતા જોઇ રહી છે. મારા સ્વભાવનો ફાયદો ઉઠાવ્યો છે. બિહાર સરકાર પાસે સુરક્ષા માગી રહ્યો છું. જેણે મારી જિંદગી બરબાદ કરી તેને છોડીશ નહી.
તેજ પ્રતાપે કહ્યુ કે હું ડરવા વાળો નથી. હું પરિસ્થિતિનો સામનો કરીશ. હું એ 4-5 લોકોનું નામ જાહેર કરીશ જેણે મારી સાથે આવુ કર્યું. તેજ પ્રતાપ યાદવે કહ્યું કે બિહારની જનતાએ જોયુ છે કે આરજેડીએ કેટલાક લોકોને કારણે મને પાર્ટીમાંથી બહાર કાઢ્યો. જનતા મારો સ્વભાવ જાણે છે. મારા સ્વભાવનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકોએ આવુ કર્યુ. હું ન્યાય માટે જનતાની વચ્ચે જઇશ. મારી પર્સનલ લાઇફમાં કોઇની દરમિયાનગીરી સહન નહી થાય.
હું ન્યાયાલય પાસે મદદ માગીશ. બિહાર સરકાર પાસે માગ કરુ છુ કે મારી સુરક્ષા વધારવામાં આવે. કારણ કે મને લાગે છે કે મારા જીવને જોખમ છે. હું એ 4-5 લોકોને છોડીશ નહી જેણે મારી જિંદગી બરબાદ કરી છે. તેમણે એમ કહ્યું કે હું એ લોકોનું નામ જાહેર નહી કરુ. મારા માતા પિતાનું પણ સન્માન કરુ છું. મોટા ભાઇ હોવાને લઇને હું તેજસ્વીને સીએમ બને તેવા આશીર્વાદ આપીશ અને તેમને સમર્થન આપીશ.
લાલુ યાદવે પાર્ટીમાંથી કાઢી મૂક્યા હતા
આરજેડી પ્રમુખ લાલુ યાદવે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ અંગે મોટો નિર્ણય લીધો હતો. તેમણે પોતાના પુત્રને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. એટલું જ નહીં લાલુએ તેજ પ્રતાપને પરિવારમાંથી પણ કાઢી મૂક્યા છે. આરજેડી વડાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે આ માહિતી આપી છે, જેમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે હવે તેજ પ્રતાપનો પરિવાર અને પાર્ટીમાં કોઈ રોલ નથી.
તે પોતે સક્ષમ છે- લાલુ યાદવ
તેમણે પોસ્ટ કરતા જણાવ્યું કે તે પોતે પોતાના અંગત જીવનના સારા-ખરાબ અને ગુણ-અવગુણો જોવા સક્ષમ છે. તેનાથી જે પણ લોકો સંબંધ રાખશે તેઓ પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણયો લેવા જોઈએ. હું હંમેશા જાહેર જીવનમાં જાહેર શરમનો સમર્થક રહ્યો છું. પરિવારના આજ્ઞાકારી સભ્યોએ જાહેર જીવનમાં આ વિચાર અપનાવ્યો છે અને તેનું પાલન કર્યું છે.
લાલુ યાદવે વધુમાં કહ્યું કે પર્સનલ જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના સામાજિક ન્યાય માટેના આપણા સામૂહિક સંઘર્ષને નબળો પાડે છે. મોટા દીકરાની પ્રવૃત્તિઓ, જાહેર વર્તન અને બેજવાબદાર વર્તન આપણા કૌટુંબિક મૂલ્યો અને પરંપરાઓ અનુસાર નથી. તેથી ઉપરોક્ત સંજોગોને કારણે, હું તેમને પક્ષ અને પરિવારથી દૂર રાખું છું. હવેથી તેમની પાર્ટી અને પરિવારમાં કોઈપણ પ્રકારની ભૂમિકા રહેશે નહીં. તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.