બિહારના સહરસા જિલ્લાના સિમરી બખ્તિયારપુર રેલ્વે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના ટળી છે. અહીં વહેલી સવારે એક પેસેન્જર ટ્રેનમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે સ્ટેશન અને મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. 

પેસેન્જર ટ્રેનમાં લાગી ભીષણ આગ

મળતી માહિતી પ્રમાણે બિહારના સહરસા જિલ્લાના સિમરી બખ્તિયારપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી.આગ લાગવાની આ ઘટના સમસ્તીપુર-સહરસા પેસેન્જર ટ્રેન (નંબર 63344) માં બની હતી. સવારે અંદાજે 3.40 વાગ્યાના અરસામાં ટ્રેનના એન્જિન અને તેની સાથે જોડાયેલા કોચને આગે લપેટમાં લીધા હતા. ટ્રેનમાં મુસાફરો સવાર હોવાથી ક્ષણભરમાં અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ રેલવે તંત્ર અને ફાયર વિભાગ સક્રિય બન્યા હતા. સહરસા ફાયર સ્ટેશનથી ફોમ ટેન્ડર અને પાણીના ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી આપવામાં આવ્યા હતા. સમયસર બચાવ કામગીરી હાથ ધરીને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
https://twitter.com/ANI/status/2084098719390319084

કોઇ જાનહાનિ નહીં

સહાયક ફાયર ઓફિસર નિરંજન કુમારે જણાવ્યું કે, ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે. સદનસીબે આ ભીષણ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ મુસાફરો સુરક્ષિત છે. જો કે, આગની આ ઘટનામાં ટ્રેનનો એક કોચ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો છે. ટ્રેનમાં અચાનક આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. રેલવે અધિકારીઓ દ્વારા આ મામલે હાલમાં ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવી છે.
https://twitter.com/ANI/status/2084100253100503271

આ પણ વાંચોઃ Pakistan : આત્મઘાતી હુમલામાં મૃત્યુઆંક વધ્યો, 14ના મોત, 12થી વધુ ઘાયલ