બિહારમાં શિક્ષક બનવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બિહાર ટીચર રિક્રૂટમેન્ટ એક્ઝામિનેશન (TRE) 4.0 માટે શરૂ થનારી ઓનલાઈન અરજી પ્રક્રિયા હાલ મોકૂફ રાખવામાં આવી છે. બિહાર લોક સેવા આયોગ (BPSC) દ્વારા અગાઉ 1 સપ્ટેમ્બર 2026થી અરજી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ 31 ઓગસ્ટે તેને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

https://twitter.com/ANI/status/2094402803091521705

શું હતો અગાઉનો શેડ્યૂલ?

BPSC દ્વારા ટૂંક સમયમાં TRE 4.0 માટે નવી અરજી તારીખ જાહેર કરવામાં આવશે. આ ભરતી અભિયાન હેઠળ બિહારમાં 32,000થી વધુ શિક્ષકોની ભરતી થવાની છે. BPSCએ 18 ઓગસ્ટે TRE 4.0નું નોટિફિકેશન જાહેર કર્યું હતું. તે મુજબ 1 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી શરૂ થવાની હતી. ઉમેદવારો માટે ફી ભરવાની અંતિમ તારીખ 29 સપ્ટેમ્બર અને અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2026 નક્કી કરવામાં આવી હતી. જોકે હવે આ સમગ્ર પ્રક્રિયામાં ફેરફાર થશે.

BPSC સુધારેલું નોટિફિકેશન બહાર પાડશે

અગાઉ BPSCએ TRE 4.0 પરીક્ષા બે તબક્કામાં યોજવાની જાહેરાત કરી હતી, જેમાં પ્રિલિમ્સ અને મેઈન્સનો સમાવેશ થતો હતો. આ નિર્ણયના વિરોધમાં ઉમેદવારોએ આંદોલન શરૂ કર્યું હતું. ઉમેદવારો TRE 4.0ને એક જ તબક્કામાં યોજવા અને 'વન કૅન્ડિડેટ-વન રિઝલ્ટ'ની માગ કરી રહ્યા હતા. બિહાર સરકારે ઉમેદવારોની આ માગણીઓ સ્વીકારી લીધી છે. હવે TRE 4.0 એક જ તબક્કામાં યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે આ ફેરફારોને ધ્યાનમાં રાખીને BPSC સુધારેલું નોટિફિકેશન બહાર પાડશે અને ત્યારબાદ નવી અરજી તારીખ જાહેર કરવામાં આવશે. સરકારે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા, નિષ્પક્ષતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાની સાથે ભરતી કેલેન્ડરનું કડક પાલન કરવાની માગ પણ સ્વીકારી છે. 

આ પણ વાંચો : Amit Shahની હાજરીમાં બિહાર-ઝારખંડ વચ્ચે સોન નદીના પાણી વહેંચણી મામલે MOU સાઈન થયા