દિલ્હી બાદ હવે અલગ અલગ શહેરોમાં નીટ પેપર લીક મુદ્દે લોકો રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને બિહારના શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીના રાજીનામાની માંગ સાથે હજારો વિદ્યાર્થીઓ અને યુવાનોએ ગાંધી મેદાનથી રાજભવન તરફ કૂચ કરી હતી. જોકે, પોલીસે જેપી ગોલામ્બર અને ડાકબુંગલા સ્ક્વેર ખાતે બેરિકેડ્સ લગાવીને પ્રદર્શનકારીઓને આગળ વધતા અટકાવ્યા હતા, જેના કારણે તંત્ર અને વિદ્યાર્થીઓ વચ્ચે તીખી અથડામણ સર્જાઈ હતી.
પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો
પોલીસે આગળ વધતા રોકતા ઉશ્કેરાયેલા કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેનાથી ઘટનાસ્થળે ભારે અફરાતફરી અને અંધાધૂંધી મચી ગઈ હતી. એટલું જ નહીં, પ્રદર્શન દરમિયાન પટના ઇન્સ્પેક્ટર જનરલ (IG) ના એસ્કોર્ટ વાહન પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે બેકાબૂ બનતી જોઈને પટના પોલીસે તોફાનીઓને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને પાણીના તોપ (વોટર કેનન) નો મારો ચલાવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
https://twitter.com/IPSinghSp/status/2079848587811553550
