ભારતે બર્ડ ફ્લૂ સામે લડવા માટે પ્રથમ સ્વદેશી H5N1 વેક્સિન તૈયાર કરી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ 20 નવેમ્બરે ભોપાલમાં આ વેક્સિન રાષ્ટ્રને સમર્પિત કરશે. મરઘીઓને બર્ડ ફ્લૂથી બચાવવા માટે તૈયાર કરવામાં આવેલી આ વેક્સિન ભોપાલ સ્થિત ICAR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઈ સિક્યોરિટી એનિમલ ડિસીઝ (NIHSAD) દ્વારા વિકસાવવામાં આવી છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર, આ નિષ્ક્રિય H5N1 (ક્લેડ 2.3.2.1A) હાઈલી પેથોજેનિક એવિયન ઇન્ફ્લુએન્ઝા (HPAI) વાયરસ સામે રક્ષણ આપવા માટે તૈયાર કરવામાં આવેલી ભારતની પ્રથમ સ્વદેશી વેક્સિન છે.

બર્ડ ફ્લૂથી પોલ્ટ્રી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન

HPAIને સામાન્ય રીતે બર્ડ ફ્લૂ કહેવામાં આવે છે. આ મરઘીઓ અને અન્ય પક્ષીઓને અસર કરતો ગંભીર રોગ છે. તેના પ્રકોપથી સંક્રમિત પક્ષીઓનો મૃત્યુદર 100 ટકા સુધી પહોંચી શકે છે. રોગચાળો ફેલાતાં મોટી સંખ્યામાં પક્ષીઓને નષ્ટ કરવા પડે છે અને વેપાર પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. જેના કારણે પોલ્ટ્રી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થાય છે.

આ રોગની અસર માત્ર પોલ્ટ્રી ફાર્મ સુધી મર્યાદિત નથી રહેતી, પરંતુ વૈશ્વિક વેપાર, પોલ્ટ્રી ઉત્પાદનોની કિંમતો અને ખેડૂતોની આજીવિકા પર પણ પડે છે. વર્ષ 2006માં ભારતમાં પ્રથમ વખત બર્ડ ફ્લૂની ઓળખ થઈ હતી. ત્યારથી દેશમાં H5N1 અને H5N8ના 500થી વધુ પ્રકોપ નોંધાઈ ચૂક્યા છે.

બર્ડ ફ્લૂથી ભારતને કેટલું નુકસાન થઈ શકે?

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, બર્ડ ફ્લૂનો મોટો પ્રકોપ ભારતના GDP વિકાસદરને 1.5 ટકા સુધી ઘટાડી શકે છે. જો આ રોગ અનિયંત્રિત રીતે ફેલાય તો દેશની 20 ટકાથી વધુ પોલ્ટ્રી વસ્તી પ્રભાવિત થઈ શકે છે અને તેને નષ્ટ કરવાની સ્થિતિ સર્જાઈ શકે છે.

વર્ષ 2006માં બર્ડ ફ્લૂના પ્રકોપને કારણે ભારતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અંદાજે 2,200થી 3,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. મણિપુરમાં પણ એક પ્રકોપને કારણે રાજ્યના GDPના 0.5 ટકા જેટલું આર્થિક નુકસાન થયું હતું.

મનુષ્યોમાં પણ નોંધાયા છે H5N1ના કેસ

બર્ડ ફ્લૂ જાહેર આરોગ્ય માટે પણ ચિંતાનો વિષય છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના જણાવ્યા અનુસાર, વર્ષ 2003થી અત્યાર સુધી ભારત સહિત 25 દેશોમાં H5N1 એવિયન ઇન્ફ્લુએન્ઝાના 1,003 માનવ કેસ નોંધાયા છે, જેમાંથી 479 લોકોનાં મૃત્યુ થયાં છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, H5N1ના ક્લેડ 2.3.2.1A પ્રકારને કારણે મરઘીઓમાં બર્ડ ફ્લૂના મોટાભાગના પ્રકોપ જોવા મળ્યા છે. તાજેતરના સમયમાં આ વાયરસનું સંક્રમણ સસ્તન પ્રાણીઓ સહિત વિવિધ પ્રાણી પ્રજાતિઓમાં પણ જોવા મળ્યું છે. મનુષ્યોમાં પણ આ સંક્રમણના ત્રણ કેસ નોંધાયા છે.

ભારતમાં સ્વદેશી વેક્સિન કેમ જરૂરી હતી?

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં H5N1 વાયરસના ક્લેડ 2.3.2.1A સામે રક્ષણ આપવા માટે કોઈ વિશિષ્ટ વ્યાવસાયિક વેક્સિન ઉપલબ્ધ નથી. આથી ભારત માટે સ્વદેશી વેક્સિન વિકસાવવી મહત્વપૂર્ણ હતી.

ICAR-NIHSAD દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેક્સિનનો હેતુ દેશમાં ફેલાઈ રહેલા H5N1 વાયરસ સામે મરઘીઓને રક્ષણ આપવાનો છે. સાથે જ પોલ્ટ્રી ખેડૂતોનું આર્થિક નુકસાન ઘટાડવા અને મરઘીઓમાંથી અન્ય પ્રાણીઓ તથા મનુષ્યોમાં વાયરસનો ફેલાવો અટકાવવામાં મદદ કરવાનો છે.

આ પમ વાંચો:https://sandesh.com/india/breakingnews/kulgam-encounter-lashkar-commander-latif-bhat-killed