તામિલનાડુના રાજકારણમાંથી આ વક્તના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આઈપીએસ અધિકારીમાંથી રાજનેતા બનેલા અને તામિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ હવે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે છેડો ફાડવાની તૈયારી કરી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્નામલાઈ આગામી 5 જૂને ચેન્નઈમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે.
ટોચના નેતાઓ સાથે બેઠક અને નારાજગી
છેલ્લા કેટલાક સમયથી અન્નામલાઈ પક્ષમાં હાંસિયા પર ધકેલાઈ ગયા હોવાની ચર્ચા હતી. દિલ્હી પ્રવાસ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી, જ્યાં નેતાઓએ તેમને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી હતી. ત્યારબાદ, 2 જૂને ભાજપના રાષ્ટ્રીય નેતાઓ બી.એલ. સંતોષ અને નિતિન નવીન સાથેની બેઠક બાદ અમિત શાહ સાથે તેમની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અન્નામલાઈએ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પક્ષ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.













