ડિજિટલ માધ્યમથી યુવા સશક્તિકરણની દિશામાં દેશે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના 'મેરા યુવા ભારત' (MY ભારત) પ્લેટફોર્મનું નામ હવે સત્તાવાર રીતે 'ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ'માં નોંધાઈ ગયું છે. આ પ્લેટફોર્મને "એક અઠવાડિયામાં સૌથી વધુ યુઝર્સ દ્વારા ઓનલાઈન ક્વિઝ પૂર્ણ કરવા" માટે આ વૈશ્વિક સન્માન પ્રાપ્ત થયું છે.
દેશભરના યુવાનોએ લીધો ભાગ
ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સના સત્તાવાર પ્રતિનિધિ દ્વારા નવી દિલ્હીના શ્રમ શક્તિ ભવન ખાતે આ પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ઉપલબ્ધ સત્તાવાર માહિતી અનુસાર, 25 થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાયેલી 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ' (VBYLD) ક્વિઝમાં દેશભરના યુવાનોએ અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો હતો. આ સમયગાળા દરમિયાન રેકોર્ડબ્રેક 3,90,812 યુવાનોએ સફળતાપૂર્વક આખી ક્વિઝ પૂર્ણ કરી હતી.આ રાષ્ટ્રવ્યાપી સ્પર્ધામાં ભારતના તમામ 28 રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ 50.42 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો, જે દેશના ખૂણે-ખૂણે વિસ્તરેલી ડિજિટલ પહોંચ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે યુવા પેઢીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.













